Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

જુનાગઢ, કેશોદ, ભેંસાણ સહિત સાત તાલુકામાં કોરોનાનો ફુંફાડો : નવા ૧૬ કેસ નોંધાયા

સંક્રમણ વધતા ચિંતાના વાદળા ઘેરાયા

(વિનુ જોષી દ્વાર)  જુનાગઢ, તા. ૦૧ : જુનાગઢ જિલ્લામાં કોરોનાએ વધુ પગ પેસારો કર્યો છે. જુનાગઢ સહિત સાત તાલુકામાં નવા ૧૬ કેસો નોંધાતા ચિંતાના વાદળો ઘેરાય ગયા છે.

જુનાગઢ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. ગત તા. ર૪ અને રપ માર્ચના રોજ  નવા આઠ કેસની એન્ટ્રી થઇ હતી.

પરંતુ આ પછી કોરોનાએ રફતાર પકડી છે. ગત તા. ર૬ માર્ચે ૯, તા. ર૭ના રોજ અને ર૮ માર્ચે અગિયાર-અગિયાર કેસ નોંધાયા હતા.

તા.ર૯ માર્ચના રોજ કોરોનાના કેસ વધીને ડબલ થઇ ગયા હતા. આ એક જ દિવસમાં નવા ૧પ કેસ નોંધાયા બાદ તા. ૩૦ માર્ચ ૯ નવા કેસો થયા હતા.

જયારે નાણાંકીય વર્ષનાં અંતિમ દિવસે એટલે કે ગઇકાલ ૩૧ માર્ચના રોજ જુનાગઢ જિલ્લામાં નવા ૧૬ કોરોનાના કેસની એન્ટ્રી થઇ હતી.

જેમાં જુનાગઢ સીટીમાં નવા ૬ કેસ, જુનાગઢ ગ્રામ્ય તથા કેશોદમાં બે-બે કેસનો સમાવેશ થાય છે.

આ જ પ્રમાણે ભેંસાણ તેમજ વંથલીમાં એક-એક અને માળીયા હાટીના તથા માણાવદરમાં વધુ બે-બે વ્યકિત સંક્રીમત થઇ હતી.

આમ એક જ દિવસમાં જિલ્લામાં નવા ૧૬ નવા કેસની સામે ૬ દર્દી સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં.

૩૧  માર્ચની સ્થિતીએ કન્ટેન્મેન્ટ ઝોનની સંખ્યા રર છે. તેની હેઠળ ર૩ ઘરની ૯પ વ્યકિતની વસ્તીનો સમાવેશ થાય છે.

જયારે ધનવન્તરી આરોગ્યનાં ૧૮ રપ દ્વારા વિવિધ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ૧૮ મેડીકલ ટીમ દ્વારા ૧પ૦૧ વ્યકિતનું નિદાન કરવામાં આવેલ.

જુનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં ગઇકાલ સુધીમાં ર૯,૯૭ર વ્યકિતનું અને ગ્રામ્ય વિસ્તારમાં ૯૦,૩૮૦ વ્યકિતનું વેકસીનેશન થયું છે.

(1:01 pm IST)