News of Friday, 1st July 2022
રાજકોટ તા. ૧: જસદણના ખડવાવડી ગામે રહેતાં વણકર યુવાનનું સાંજે તેના ગામના રોડ પરથી તેના જ કુટુંબી સગાઓએ કારમાં અપહરણ કરી નજીકના ભંગડા ગામની સીમમાં એક વાડીએ લઇ જઇ નગ્ન કરી બાવળના ઝાડવા સાથે બાંધી પટ્ટા, ધોકા, કડાથી બેફામ ધોલધપાટ કરી અર્ધબેભાન જેવો કરી નાંખ્યા બાદ ગામની સીમમાં ફેંકી દેતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો છે. એક કુટુંબી છોકરી સાથે તેને બોલવાનો વ્યવહાર છે તેવી શંકા કરી આ ધોલધપાટ થયાનું અને મારકુટ કરી માફી માંગતો વિડીયો પણ રેકોર્ડ કરી લેવાયાનું આ યુવાને જણાવતાં પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ ખડવાવડી રહેતાં અને છુટક મજૂરી કરતાં ધર્મેશ ચતુરભાઇ મકવાણા (વણકર) (ઉ.૨૦)ને રાતે ઘાયલ હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહિ પોલીસની પ્રાથમિક પુછતાછમાં પોતાને ભંગડા ગામે પિન્ટુ પરમારની વાડીએ ઝાડમાં બાંધી મારકુટ કરવામાં આવ્યાનું જણાવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભાડલા પોલીસને જાણ કરી હતી.
ધર્મેશ સવારે ભાનમાં આવ્યો ત્યારે જણાવ્યું હતું કે હું બે ભાઇ અને એક બહેનમાં વચેટ છું અને મજુરી કરુ છું. સાંજે આઠેક વાગ્યે જમ્યા બાદ ગામમાં ફાકી ખાવા ગયો હતો અને ફાકી ખાઇ નજીકમાં લઘુશંકાએ ગયો હતો. ત્યાંથી બહાર નીકળી રોડ પર આવ્યો ત્યાં જ મને ફોરવ્હીલ ગાડીમાં ખેંચીને ભંગડા ગામની સીમમાં આવેલી પિન્ટુ પરમારની વાડીએ લઇ જવાયો હતો. મને સાગર વાઘા મકવાણા, સાગર કનુ મકવાણા સહિતના અમારા જ કુટુંબી સગા ત્યાં ઉઠાવી ગયા હતાં.
વાડીએ લઇ જવાયા બાદ મારા તમામ કપડા ઉતરાવી નાંખ્યા હતાં અને મને બાવળના ઝાડ સાથે બાંધી દઇ પટ્ટા, ધોકા, કડાથી બેફામ મારકુટ કરવામાં આવી હતી. તેમજ મારે કુટુંબી સગાની છોકરી સાથે બોલચાલનો વ્યવહાર છે, હવે પછી આવુ નહિ કરું મારી ભુલ થઇ ગઇ...એવું બોલાવડાવી મારો વિડીયો પણ ઉતારી લીધો હતો.
બેફામ મારકુટને લીધે હું અર્ધબેભાન જેવો થઇ ગયા બાદ મને કપડા પહેરાવી દઇ ફરીથી ખડવાવડી ગામની સીમમાં ઉતારીને આ લોકો ભાગી ગયા હતાં. એ પછી કોઇ ગામલોકો નીકળતાં હું ત્યાં બેભાન પડયો હોઇ મારા સગાને જાણ કરી હતી. ધર્મેશે એવું રટણ કર્યુ હતું કે મારે કોઇ છોકરી સાથે કોઇપણ પ્રકારનો વ્યવહાર નથી. સાંજે હું ફાકી ખાઇને નીકળ્યો ત્યારે એ છોકરી પણ નજીકમાંથી નીકળી હતી. આ કારણે મારા પર શંકા કરીને મને ઉઠાવી જઇ મારકુટ કરવામાં આવી હતી. ખરેખર શું બન્યું? તેની તપાસ ભાડલા પોલીસે હાથ ધરી છે.