Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

ડોકટરેટની પદવી હાંસલ કરતી, દર્શિતા મકવાણા

સાવરકુંડલા : અત્‍યંત પછાત ચમાર જ્ઞાતિમાંથી, શિક્ષણના બળે આગળ આવી...

સાવરકુંડલા, તા. ૧ :  છેલ્લા કેટલાક વર્ષોથી શૈક્ષણિક ક્ષેત્રે સાવરકુંડલા શહેરને પોતાનું કાર્યક્ષેત્ર બનાવેલ અને મુળ સુરેન્‍દ્રનગર જિલ્લાના શિયાણી ગામના વતની દર્શિતા ઉકાભાઇ મકવાણા હાલ સનરાઇઝ હાયર સેકન્‍ડરી સ્‍કુલમાં ફરજ બજાવે છે.

બાપ દાદાનો મુળ વ્‍યવસાય તો ચામડું કમાવવાનો પરંતુ દર્શિતાનાં બાપુજીને બાળપણથી જ શિક્ષણનું મહત્‍વ સમજાય ગયેલ એટલે પોતે પ્રાથમિક શિક્ષક બન્‍યા અને દર્શિતાનાં મમ્‍મી પણ પ્રાથમિક શાળામાં શિક્ષક એટલે જાણે શિક્ષણ વારસામાં મળ્‍યું. ત્રણ ભાઇ બહેનોમાં સૌથી નાની દર્શિતાએ પ્રાથમિકથી કોલેજ સુધીનું શિક્ષણ સુરેન્‍દ્રનગર અને એમ. એ.બી. એઙ રાજકોટ તથા એમ. એડ અમરેલીથી કર્યુ. ત્‍યારબાદ પી.એચ.ડી.ની ડિગ્રી સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાંથી જેતપુરનાં સીનીયર પ્રોફેસર ડો. ગીતાબેન એન. લગધિરના માર્ગદર્શન નીચે A Psychological Study of Frustration Health And Ajustment Among Women And House Wives નોકરી કરતી અને ગૃહીણીઓની હતાશા, માનસિક સ્‍વાસ્‍થય અને સમાયોજનનો એકમો વૈજ્ઞાનિક અભ્‍યાસ વિષય પર મહાનિબંધ લખી ડોકટરેટની ઉપાધી પ્રાપ્ત કરી છે માટે હવે દર્શિતા.... ડો. દર્શિતા તરીકે ઓળખાશે. મોટાભાઇ વિજય એડવોકેટ અને મોટી બહેન અરૂણા શિક્ષણથી પછાતનો ઉત્‍કર્ષ પ્રોજેકટમાં પ્રોજેકટ ઓફિસર તરીકે સેવા બજાવે છે.

આ સમગ્ર પરિવારે સાબિત કરી આપ્‍યું છે કે, વર્તમાન સમયમાં શિક્ષણ એક જ એવું સાધન છે કે પછાતમાં પછાત અને અત્‍યંત છેવાડાનાં માનવીને પણ સફળતાનાં શિખરો ઉપર બેસાડી શકે છે. આ તબક્કે સનરાઇઝ સ્‍કુલના મેનેજિંગ ટ્રસ્‍ટી પ્રતાપભાઇ ખુમાણ અને પ્રિન્‍સિપાલ સોનલબેન મશરૂ દ્વારા ડો. દર્શિતા મકવાણાનું બહુમાન કરવામાં આવ્‍યું હતું.

(12:52 pm IST)