Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

જૂનાગઢમાં વરસાદી પાણીના સંગ્રહની યોજનાને ભવનાથ ખાતેથી પ્રારંભ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા.૧ : જૂનાગઢ મહાનગરપાલિકા હસ્‍તકના જુદી-જુદી જગ્‍યાઓ ખાતે આવેલ હેન્‍ડપંપમાં આશરે ૬૫૦ જેટલી જગ્‍યાઓ ખાતે રેઈન વોટર હાર્વેસ્‍ટીંગ યુનિટ ઈન્‍સ્‍ટોલ કરવા  ભવનાથ ખાતે મેયર ગીતાબેન એમ પરમારના  હસ્‍તે અને કમિશનર રાજેશ એમ તન્ના, ચેરમેન સ્‍થાયી સમિતી હરેશભાઈ પરસાણા, શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા, વિરોધ પક્ષના નેતા અદ્રેમાનભાઈ પંજા, શાસકપક્ષના નેતા કિરીટભાઈ ભીંભા, દંડક  અરવિંદભાઈ ભલાણી, પુર્વ ડે.મેયર હિમાંશુભાઈ પંડયા, નાયબ કમિશનર જયેશ પી વાજા, સેનિટેશન સુપ્રી. કલ્‍પેશભાઈ ટોલિયા, વોટરવર્કસ કાર્યપાલક ઈજનેર  અલ્‍પેશભાઈ ચાવડા, કોર્પોરેટર ઇલાબેન બાલસ, ભરતભાઈ બાલસની ઉપસ્‍થિતિમાં શુભારંભ કરવામાં આવેલ છે.

જેમાં હેન્‍ડપંપની આજુબાજુમાં આવેલ ઈમારતી બિલ્‍ડીંગોના ધાબામાંથી વહી જતા વરસાદી પાણીને નદી-નાળા કે અન્‍ય જગ્‍યાને બદલે બિલ્‍ડીંગોની બાજુમાં આવેલ પાણીનાસ્ત્રોતને રીચાર્જ કરવાનો હેતુ છે.જેનાથી પાણીની કટોકટીના સમયે જે-તેસ્ત્રોતના ભુગર્ભ જળ ધટ થવાના પ્રશ્‍નોને નિવારી શકાય તેવું આયોજન હાથ ધરવાનો પ્રયત્‍ન કરવામાં આવેલ છે. આગામી સમયમાં શહેરમાં અન્‍ય જગ્‍યાઓ ખાતે રેઈન વોટર હાર્વેસ્‍ટીંગની કામગીરી લોકભાગીદારીથી થાય તેવું આયોજન હાથ ધરી શહેરીજનો સમક્ષ વરસાદી જળ સંચય યોજના લોન્‍ચ કરવામાં આવનાર છે. આ યોજનાને સૌ લોકો પોતાના આંગણે વિકસાવે એવા પ્રયત્‍નો હાથ ધરવામાં આવશે.

(11:43 am IST)