Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

જુગારની કથિત બોગસ રેડ મામલે સુરેન્દ્રનગર નાયબ પોલીસ અધિક્ષક હિમાંશુ દોશીને તપાસ સોપાઈ.

-ધારાસભ્ય કગથરાએ એ ડિવિઝન પીઆઇ ઉપર કામગીરી બતાવવા ખોટી જુગાર રેડ કર્યાના આક્ષેપ બાદ રેન્જ આઈજીએ તપાસ સોંપી

મોરબીના રાજપર રોડ ઉપર આવેલ કારખાનામાં એ ડિવિઝન પોલીસે કરેલી જુગારની રેડ ખોટી હોવાની અને યુવાનોને ખોટી રીતે ફસાવી પરાણે જુગાર રમાડીને માર માર્યો હોવાના આક્ષેપ સાથે ધારાસભ્ય લલિત કગથરાએ ઉચ્ચકક્ષાએ રજુઆત કરતા આ ગંભીર મામલે સત્ય બહાર લાવવા ઉચ્ચકક્ષાએથી તપાસના આદેશ છૂટ્યા છે. જેમાં આ બોગસ જુગારની રેઇડની સમગ્ર તપાસ કરવા માટે રેન્જ આઈજીએ નાયબ પોલીસ અધિક્ષક હિમાંશુ દોશીને આદેશ આપ્યો છે.
ધારાસભ્ય લલિત કગથરા દ્વારા એ ડિવિઝન પીઆઇ પંડ્યા ઉપર ખોટી જુગારની રેડના ગંભીર આક્ષેપ સાથે મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી હતી. જેમાં થોડા દિવસ અગાઉ સ્ટેટ વિજિલન્સ ટીમે રાજપર રોડ ઉપર કારખાનામાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી લીધો હતો. આ બનાવમાં સ્થાનિક પોલીસની બેદરકારી ખુલતા એ ડિવિઝનના બે પીએસઆઇને સસ્પેન્ડ કરી દીધા હતા. આથી પોતે પણ ગુનાખોરી રોકવા સક્રિય હોવાનું અને પોતાની કામગીરી દેખાડવા માટે એ ડિવિઝન પીઆઇ પંડ્યાએ આખી બોગસ જુગારની રેઇડની સ્ટોરી ઉપજાવી કાઢીને યુવાનોને ખોટી રીતે ફસાવ્યા હોવાનો ધારાસભ્યએ આક્ષેપ કર્યો હતો.
બેબાક ધારાસભ્યએ ત્યાં સુધી કહ્યું હતું કે, યુવાનો જે તે સમયે અન્ય કામમાં હોય છતાં તેમને ત્યાંથી પકડી પકડીને રાજપર રોડ ઉપર એલ્યુમિનિયમના કારખાનામાં લઈ જઈ મારી મારીને પરાણે જુગાર રમાડી મોટી જુગાર ક્લબ પકડી પાડી હોવાનું એ ડિવિઝન પીઆઇ પંડ્યાએ જાહેર કર્યું હતું.આ આક્ષેપ બાદ બોગસ જુગાર કાંડનું સત્ય બહાર આ સમગ્ર બનાવની તપાસ રેન્જ આઈજીએ નાયબ પોલીસ અધિક્ષક હિમાંશુ દોશીને સોંપી છે. ત્યારે આ તપાસમાં ધારાસભ્યએ કરેલા બોગસ રેઇડના આક્ષેપ સાચા ઠરે છે કે કેમ ? તે જોવાનું રહ્યું

(11:47 pm IST)