Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

આમાં બીજાની તો વાત જ ક્યાં રહી?: પંચાસર રોડ ઉપર ખુદ પાલિકાની કચરા ગાડી જ ખાડામાં ફસાઈ.

-અગાઉ પાઇપલાઈન નાખ્યા બાદ યોગ્ય રીતે સમથળ કરવાને બદલે માત્ર માથે માટી નાખી દેતા વારંવાર ખુંપી જતા વાહનો

મોરબી : મોરબીમાં તંત્રને કોઈને કોઈ કામ બેદરકારી રાખવી ભારે પડી હતી. ખાડો ખોદે તે પડે તે ઉક્તિ પ્રમાણે મોરબીના પંચાસર રોડ ઉપર અગાઉ પાઇપલાઈન નાખ્યા બાદ યોગ્ય રીતે સમથળ કરવાને બદલે માત્ર માથે માટી નાખી દેતા વરસાદને કારણે વારંવાર વાહનો ખુંપી જતા હોવાની વચ્ચે આજે નગરપાલિકાની કચરા ગાડી પાંચસર રોડ ઉપર ખાડામાં આવી રીતે ફસાઈ ગઈ હતી કે, ખાસ્સો સમય બહાર ન નીકળતા ટ્રાફિકજામ થયો હતો.
મોરબીના પંચાસર રોડ પરના જાગૃત નાગરિક ડેનિશભાઈ કાનજીભાઈ રબારીએ જણાવ્યું હતું કે,પંચાસર રોડ ઉપર અગાઉ રોડ ખોદીને કોન્ટ્રાકટરો દ્વારા મોટી પાઇપલાઇન નાખવામાં આવી હતી. પાઇપલાઈન નાખ્યા બાદ કોન્ટ્રાકટરો દ્વારા માથે રોડને સમથળ કરવાને બદલે માત્ર પોચી માટી નાખી દીધી હતી. દરમિયાન વરસાદ પડતાં આ માટી પીગળી ગઈ હોવાથી જેવા વાહનો નીકળવાની ત્યાંથી કોશિશ કરે કે તરત જ વાહનો આ માટીમાં એ હદે ખુંપી જાય કે મહામહેનતે બહાર કાઢવા પડે છે. વરસાદ સમયે તો દરરોજ ઘણા વાહનો આ માટીમાં ફસાઈ ગયા હતા હજુ પણ માટી ભીની હોવાથી દરરોજ એકાદ બે વાહન ફસાઈ જાય છે. આજે તો હદ થઈ ગઈ હતી.જેમાં મોરબીના પાંચસર રોડ ઉપર નગરપાલિકાની કચરા ગાડી નીકળી કે તરતજ ભીની માટીમાં ખુંપી ગઈ હતી. કલાકો સુધી જેક અને અન્ય વાહનો દ્વારા તેમજ માણસો દ્વારા ધક્કા મારીને કાઢવા છતાં આ ગાડી માટીમાંથી નીકળી ન હતી. એના કારણે ટ્રાફિકજામ થતા વાહનોને ડાઈવર્ટ કરવા પડ્યા હતા. ત્યારે તંત્રને આજે ખુદને તકલીફ પડી હોય આ અંગે યોગ્ય કામગીરી કરવા આગળ આવશે કે કેમ ?

(11:49 pm IST)