Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

વાવાઝોડું ગુલાબ ટળ્યું હવે શાહીનના સંભવિત સંકટ વચ્ચે તંત્ર એલર્ટ : એકંદરે કચ્છમાં મેઘોત્સવ બે થી પાંચ ઇંચ વરસાદ

આજે છૂટા છવાયા ઝાપટા વચ્ચે મેઘાનો વિરામ : અબડાસામાં કાંઠાળ વિસ્તારમાં ભારે પવનની અસર

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧ : ગુલાબ વાવાઝોડાની અસર વચ્ચે કચ્છમાં સારો વરસાદ પડી ગયો છે. આમેય આ વખતે કચ્છમાં વરસાદની ખેંચ હતી. તે વચ્ચે કચ્છના દસેદસ તાલુકામાં પવન સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી ધરતીને તરબોળ કરી દીધી છે. એકંદરે કચ્છમાં બે થી પાંચ ઈંચ વરસાદ પડી ગયો છે.

દરમિયાન ગઈકાલે ગુલાબ વાવાઝોડું શાહીન માં પરિવર્તિત થયું છે. જોકે, કચ્છમાં વાવાઝોડાની અસર અબડાસા તાલુકાની કાંઠાળ પટ્ટીમાં વેગીલા વાયરાના રૂપમાં જોવા મળી છે. નલિયામાં આઇસ ફેકટરીના ૨૩ પતરા ઉડયા હતા. સાંઘી કંપનીમાં શેડ પડી જતાં ૫ જણ ઈજાગ્રસ્ત થયા હતા. જયારે કોઠારામાં મકાન ધરાશાયી થયું હતું. જોકે, કયાંય જાનહાનિના કોઈ અહેવાલ નથી.

હવે શાહીન વાવાઝોડાના સંભવિત સંકટ વચ્ચે તંત્ર એલર્ટ છે. કચ્છમાં બે થી પાંચ ઈંચ વરસાદ સાથે મેઘોત્સવનો માહોલ છે. આજે મોટા ભાગના વિસ્તારમાં મેઘાએ વિરામ લીધો છે. જોકે, શાહીનની ચેતવણી અને સંભવિત સંકટ વચ્ચે વહીવટી તંત્ર એલર્ટ છે.

(11:10 am IST)