Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

કેશોદ વિધાનસભા મત વિસ્‍તારના મતદારોનું માનસ અકળઃ જુદા જુદા ‘તાવા' પાર્ટીનો લાભ લેતા લોકો

છેલ્લા ૧પ દિ'ના જોરશોરના પ્રચાર બાદ પણ સ્‍પષ્‍ટ ચિત્ર ઉપસાવવામાં તમામ પક્ષો નિષ્‍ફળ : આચાર સંહિતાની બેડીઓ વચ્‍ચે ગત સાંજથી ‘ઘોંઘાટીયા ભુંગળા' બંધ થતાં મતદારોને રીઝવવા ડોર ટુ ડોર પદયાત્રાઃ ગ્રામ્‍ય વિસ્‍તારના મતો બનશે નિર્ણાયક

(સંજય દેવાણી દ્વારા) કેશોદ તા. ૩૦: પ્રવર્તમાન સંજોગોમાં ચાલી રહેલ લોકશાહી મહોત્‍સવની ઉજવણી વચ્‍ચે ચુંટણી પ્રક્રિયાને હવે માત્ર ગણત્રીના કલાકો બાકી છે ત્‍યારે પણ કેશોદ ૮૮ વિધાન સભા મત વિસ્‍તારના મતદારોનું મન નહીં કળાતા છેલ્લા ૧પ દિવસના જોરશોરના પ્રચાર બાદ પણ સ્‍પષ્‍ટ ચિત્ર ઉપસાવવામાં તમામ પક્ષો નિષ્‍ફળ ગયેલ હોવાનું જણાઇ રહેલ છે.

કેશોદ વિધાનસભા મત વિસ્‍તારને લાગે વળગે છે ત્‍યાં સુધી ત્રણ મુખ્‍ય પક્ષોમાં ભાજપમાંથી સ્‍થાનીક ધારાસભ્‍ય દેવાભાઇ માલમ, કોંગ્રેસમાંથી પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્‍યક્ષ હીરાભાઇ જોટવા તથા આમ આદમી પાર્ટી (આપ)માંથી રામજીભાઇ ચુડાસમા ઉપરાંત ભાજપના પુર્વ ધારાસભ્‍ય અરવિંદભાઇ લાડાણી એ પણ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવતાં પ્રવર્તમાન ચુંટણી રસાકસીસભર બનેલ છે. આ વિસ્‍તારમાં કુલ ૭ ઉમેદવારો ચુંટણી જંગના મેદાનમાં ધારાસભ્‍યનું પદ હાંસલ કરવા પોતાની તમામ તાકાત કામે લગાવી રહ્યા છે.

કેશોદમાં ચુંટણી પ્રચાર માટે ભાજપ તરફથી મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલનો રોડ શો તથા પુરૂષોતમભાઇ રૂપાલાની જાહેર સભા, કોંગ્રેસ તરફ પ્રદેશ કોંગ્રેસ અગ્રણી સિધ્‍ધાર્થભાઇ પટેલની સભા તેમજ આપ તરફથી આપના સુપ્રિમો અને દિલ્‍હીના મુખ્‍યમંત્રીશ્રી અરવિંદ કેજરીવાલના રોડ શોનું આયોજન કરવામાં આવેલ.

આ વિસ્‍તારના કુલ ૭ ઉમેદવારોમાંથી મુખ્‍યત્‍વે ભાજપ, કોંગ્રેસ, આપ અને એક અપક્ષ ઉમેદવાર વચ્‍ચે કાંટેકી ટકકર જણાઇ રહેલ છે. તમામ ઉમેદવારો ચુંટણી જીતવા માટે પોતાની તમામ તાકાત લગાવી રહ્યા છે. સ્‍થાનીક શહેર તથા ગ્રામ્‍ય વિસ્‍તારોમાં મતદારોને આકર્ષવા માટે તમામ ઉમેદવારો વોર્ડવાઇઝ શેરીઓમાં રાત્રી ભોજનનું આયોજન કરી લોકોને આમંત્રીત કરતા જોવા મળેલ હતા. છેલ્લા ૧પ-ર૦ દિવસથી રાજકીય પાર્ટીઓ તરફથી ખુલી ગયેલ જાહેર રસોડા તથા ‘તાવા પાર્ટી'માં લોકો ઉત્‍સાહભેર ભાગ લઇ રહ્યા છે. અને પુરી, ભજીયા, પકોડા સહીત વિવિધ આઇટમોનો લોકો દરરોજ આસ્‍વાદ માણી રહ્યા છે. આ સ્‍થિતિ વચ્‍ચે આヘર્યની વાત તો એ છે કે, કયાં પક્ષ તરફથી આજનું મેનુ શું છે? તેની જાણકારી મેળવી લોકો જે તે સ્‍થળે મનભાવતા ભોજનનો સ્‍વાદ માણવા પહોંચી જાય છે. આજે એક છાવણીમાં બીજા દિવસે બીજી છાવણીમાં અસંખ્‍ય એકના એક ચહેરા ‘તાવા' પાર્ટીનો લાભ લેતા જોવા મળી રહ્યા છે.

આ સ્‍થિતિ વચ્‍ચે મતદારોનું માનસ અકળ જણાતાં ખુદ ઉમેદવારો પણ અવઢવમાં જણાઇ રહેલ છે. સ્‍થાનીક કેશોદના નવ વોર્ડ ઉપરાંત તાલુકાના પ૩ તથા માંગરોળ તાલુકાના ૪૬ મળી કુલ ૯૬ ગામડાના આ મત વિસ્‍તારમાં ચુંટણી જંગમાં ગ્રામ્‍ય વિસ્‍તારના મતો નિર્ણાયક બનશે તેવું રાજકીય પંડીતો માની રહેલ છે.

લોકશાહી પર્વની ઉજવણીનો અંતિમ તબકકો ચાલી રહેલ છે. આવતીકાલ તા. ૧ ના ચુંટણી છે. લોકો મતદાન કરવા ઉત્‍સુક જણાઇ રહેલ છે. આ મત વિસ્‍તારમાં આશરે અઢી લાખ જેટલા મતદારો છે. ચુંટણી જીતવા માટે તમામ ઉમેદવારો છેલ્લીની ઘડી સુધી પોતાની ક્ષમતા મુજબ જોર લગાવી રહેલ છે. છેલ્લા ૧પ-ર૦ દિવસ પ્રચારના ઘોંઘાટીયા ‘ભુંગળા' ગઇ સાંજથી આચાર સંહીતાની બેડી વચ્‍ચે શાંત થતાં કાર્યકરો સાથે ઉમેદવારો ડોર ટુ ડોર પદયાત્રા કરી છેલ્લીની ઘડીએ કેશોદ વિધાનસભા મત વિસ્‍તારના અઢી લાખ મતદારોને રીઝવવાના પ્રયાસો યથાવત રાખેલ છે.

(3:36 pm IST)