Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

કેશોદમાં ઓનલાઈન ઇનામી ડ્રોના નામથી ચાલતી દુકાનોમાં પોલીસ રેઈડ

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ, તા.૨: કેશોદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં ઓનલાઈન યંત્રના વેચાણના નામે ઓનલાઈન ઈનામી ડ્રો શરૂ હોવાની બાતમીના આધારે પોલીસ દ્વારા રેઈડ કરવામાં આવતાં ઓનલાઈન ઈનામી ડ્રો માટે ટીવી સ્ક્રીન જોવા મળી રહી હતી તેમજ જુદા જુદા ટોકનો જોવા મળ્યા હતા જે ગ્રાહકોને ૧૧ રૂપીયામાં ટોકન આપવામાં આવતું હતું તેમાં વિજેતા ગ્રાહકોને ચાંદીનો સિક્કો અથવા સો રૂપિયા રોકડા આપવામાં આવતા હોવાનું દુકાનદારે જણાવ્યું હતું.

કેશોદના માંગરોળ રોડ શેખ ગેરેજના નામે ઓળખાતી ગલીમાં પોલીસ દ્વારા રેઈડ કરવામા આવી હતી જયાંથી જુદા જુદા ટોકનો ચાંદિના સિક્કા સહિતના મુદામાલ સાથે દુકાન ચલાવતા વ્યકિતને પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો ત્યાર બાદ કેશોદના કોર્ટ નજીક બળોદર રોડ પર ચાલતી હતી ઓનલાઈન ઈનામી ડ્રોની દુકાનમાં પણ એવી જ રીતે ઓનલાઈન ઈનામી ડ્રોના ટોકનના મુદામાલ સાથે દુકાન ચલાવતા વ્યકિતને પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો તેમજ કેશોદના રેલવે ફાટક આગળ ચુના ભઠ્ઠી રોડ પર પણ ઓનલાઈન ઈનામી ડ્રોની દુકાન ચાલતી હોય પોલીસ પહોંચે તે પહેલા તે દુકાનદાર દુકાન બંધ કરી જતો રહ્યો હતો.

કેશોદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં ચાલતી ઓનલાઈન ઈનામી ડ્રો ની દુકાનો શરૂ કરવા બાબતે મંજૂરી લેવામાં આવી હશે કે કેમ કે પછી ઓનલાઈન યંત્રના વેચાણના નામે ઓનલાઈન ઈનામી ડ્રો વગર મંજૂરીએ ચાલતો હશે. તે પોલીસ તપાસ બાદ જ સત્ય હકીકત બહાર આવશે પણ વિવિધ વિસ્તારોમાં ઓનલાઈન ડ્રોની દુકાનો પર પોલીસ દ્વારા રેઈડ કરતાં આવા અનેક ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે.

(10:26 am IST)