Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

અદ્યતન બસ સ્ટેશન થકી લોકોની પરિવહન સુવિધામાં વધારો થશે : વિભાવરીબેન દવે

વિજયભાઇ રૂપાણીના હસ્તે ચુડા બસ સ્ટેશનનું ઇ-લોકાર્પણ કરાયું

વઢવાણ - સુરેન્દ્રનગર તા. ૨ : ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રૂપિયા ૨.૩૧ કરોડના ખર્ચે નવનિર્મિત ચુડા બસ સ્ટેશનનું મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઇ-લોકાર્પણ કરાયું હતું. આ ઈ- લોકાર્પણ કાર્યક્રમમાં ચુડા ખાતે મહિલા અને બાળ કલ્યાણના રાજય મંત્રીશ્રી વિભાવરીબેન દવે ઉપસ્થિત રહ્યા હતા.

ઈ- લોકાર્પણ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા રાજય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ચુડાના અદ્યતન બસ સ્ટેશન થકી આ વિસ્તારના લોકોની પરિવહન સુવિધામાં વધારો થશે. રાજય સરકારે દિવ્યાંગો માટે મફત મુસાફરી તેમજ વિદ્યાર્થી પાસ યોજના જેવી અનેક યોજનાઓ અમલી બનાવી છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજય સરકારે સુજલામ સુફલામ યોજનાના માધ્યમથી રાજયોના તળાવો અને ચેકડેમ ઊંડા કરીને પાણીની સંગ્રહ ક્ષમતામાં વધારો કર્યો છે તેમજ કિસાન સૂર્યોદય યોજના દ્વારા હવે ખેડૂતોને દિવસે વીજળી પણ આપવામાં આવશે.

રાજય મંત્રીશ્રીએ રાજયની ૯ લાખ બહેનો ગંગા સ્વરૂપા સહાય યોજનાનો લાભ મેળવી રહી છે તેમ જણાવી ઉમેર્યું હતું કે, ઇ- સેવાસેતુના માધ્યમથી ગામડાઓમાં ગ્રામપંચાયત કક્ષાએ અનેકવિધ સુવિધાઓ રાજય સરકારે ઉપલબ્ધ બનાવી છે.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી કિરીટસિંહ રાણાએ પ્રાસંગિક પ્રવચનમાં કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો મહત્ત્।મ લાભ લેવા જણાવ્યુ હતું.આ તકે રાજય મંત્રીશ્રી વિભાવરીબેન દવેના હસ્તે તકતી અનાવરણ પણ કરવામાં આવેલ હતું.

આ પ્રસંગે રાજકોટ વિભાગ વાહન વ્યવહાર નિગમના કોમર્શિયલ મેનેજરશ્રી ડી.એમ. જેઠવાએ સ્વાગત પ્રવચન કર્યું હતું તેમજ અધિક્ષક વી.આર જાડેજાએ આભારવિધિ કરી હતી.

આ પ્રસંગે ગુજરાત રાજય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમના પૂર્વ ચેરમેન શંકરભાઈ દલવાડી, જિલ્લા વિકાસ અધિકારી એસ.કે હુડ્ડા, અગ્રણીઓ દશરથસિંહ રાણા, ધીરૂભાઈ સિંધવ, મુકેશભાઈ શેઠ, રાજભા ઝાલા અને સ્મિતાબેન રાવલ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

(10:33 am IST)