Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

રાજુલા તાલુકાના દાતરડી ગામે ગ્રામજનો દ્વારા ચક્કાજામ

બિસ્માર નેશનલ હાઇવે અને ધૂળની ડમરીઓના કારણે ગ્રામજનો ત્રાહિમામ

(શિવકુમાર રાજગોર દ્વારા) રાજુલા તા. ૨ : ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ફોરલેનનું કામ છેલ્લા પાંચ વર્ષથી વધુ સમયથી ગોકુળગાય ગતિએ ચાલી રહ્યું છે. જેમાં તળાજાથી રાજુલા સુધીનો ફોરલેન રોડનું ૩૦ ટકા જેટલું પણ કામ પૂર્ણ થયું નથી જે એજન્સીને કામ આપ્યું હતું તેની સામે પણ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા કાર્યવાહી કરતાં છેલ્લા ઘણાં સમયથી આ નેશનલ હાઇવેનું કામ ટલે ચડ્યું છે બીજી તરફ જૂનો નેશનલ હાઇવે અતિ બિસ્માર હાલતમાં છે. દરરોજ અતિશય ધૂળ ની ડમરીઓ ઉડી રહી છે તેનાં કારણે વાહનચાલકો અને આસપાસના ખેડૂતો, ગ્રામજનો સહિતના લોકો હેરાન થઈ રહ્યા છે તંત્ર દ્વારા આ જૂના નેશનલ હાઇવેનું યોગ્ય સમારકામ પણ કરવામાં આવતું નથી તેનાં કારણે ઉબડખાબડ રસ્તાઓ થી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે છતાં પણ તંત્ર અને સરકાર નાં પેટનું પાણી હાલતું નથી.

આ ઉડતી ધૂળની ડમરીઓ કારણે રાજુલા તાલુકાના દાતરડી ગામના લોકો દ્વારા નેશનલ હાઇવે રોડ ચક્કાજામ કર્યો હતો અને ત્યારે નેશનલ હાઇવે ઓથોરિટી નાં અધિકારીઓ દ્વારા હાઈવે રિપેરિંગ કરવા માટે બાંહેધરી આપી હતી પરંતુ બે મહિના વતી જવાં છતાં પણ તંત્ર દ્વારા દાતરડી ગામમાંથી પસાર થતાં નેશનલ હાઇવે નું યોગ્ય સમારકામ કરવામાં ના આવતાં રોષે ભરાયેલા ગ્રામજનો દ્વારા ફરી ચક્કાજામ કર્યો હતો એક કલાક સુધી ચક્કાજામ કરતાં બે કિલોમીટર સુધી નેશનલ હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી ત્યાર બાદ પોલીસ તંત્ર અધિકારી સાથે વાત કરી ગ્રામજનોને રસ્તા રિપેરિંગ માટે બાંહેધરી આપી હતી અને નેશનલ હાઇવે રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો. તંત્ર અને સરકાર ની ઉદારનીતિ અને એજન્સીઓ સામે યોગ્ય કાર્યવાહી ના કરવાનાં કારણે આ નેશનલ હાઇવેની હાલત ખૂબ દયનીય છે અહિયાથી પસાર થતા વાહનચાલકો ભારે હાલાકી ભોગવવી રહ્યા છે.

હવે આગામી દિવસોમાં તંત્ર અને સરકાર લોકોની હાલાકીને સમજી જૂનાં રોડનું યોગ્ય સમારકામ કરાવે અને ફોરલેન રોડની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તો જ આ સમસ્યાનો ઉકેલ આવશે. હવે તંત્ર અને સરકાર પ્રજાની સમસ્યાને સમજે છે કે નહીં એ તો હવે આવનારો સમય જ બતાવશે.

(10:33 am IST)