Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

ગઢડાના સારંગપુર રોડ પર પતંગની દોરીને કારણે છકડો પલટતા એક મહિલાનું મોત:બે લોકોને ઇજા

બન્ને ઈજાગ્રસ્તોને સારવાર માટે ગઢડા રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા

બોટાદના ગઢડામાં સાળંગપુર રોડ પર  છકડો રિક્ષા પસાર થઈ રહી હતી.ત્યારે અચાનક પતંગની દોરી રસ્તાની વચ્ચોવચ્ચ આવી જતા છકડા ચાલકને પતંગની દોરી વાગતા તેણે વાહન પરથી નિયંત્રણ ગુમાવી દીધુ હતું. જેના કારણે છકડો રસ્તા પર પલટી મારી ગયો હતો. આ ઘટનામાં એક મહિલાનું મોત થયુ છે, જ્યારે છકડા ચાલક સહિત અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ દુર્ઘટના સમયે છકડામાં  ચાલક સહિત 3 લોકો સવાર હતા. છકડો પલટી જવાથી મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ જતા તે ઘટના સ્થળે જ મોતને ભેટી હતી. આ ઘટનાની જાણ થતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને બન્ને ઈજાગ્રસ્તોને સારવાર માટે ગઢડા રેફરલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા

આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે

(11:03 am IST)