Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

સુરેન્દ્રનગરના કટુડા ગામના પાટીયા પાસેથી વાહનચોર ટોળકીનો મુખ્ય સુત્રધાર ઝડપાયો : નવ બાઇક, કાર સહિત કુલ રૂ. ૩.૪૦ લાખનો મુદ્દામાલ કબ્જે

વઢવાણ,તા. ૨: સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા રોડ પર કટુડા ગામના પાટીયા પાસેથી શંકાસ્પદ હાલતમાં એક શખ્સને કાર સાથે ઝડપી પાડયો હતો જેની વધુ પુછપરછ દરમ્યાન અલગ-અલગ વિસ્તારોમાંથી ૯ બાઈક ચોરીની કબુલાત કરતાં પોલીસે તમામ મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જીલ્લામાં ઘરફોડ ચોરી તેમજ વાહનચોરીના બનાવો વધી રહ્યાં છે જેને ધ્યાને લઈ જીલ્લા પોલીસવડા મહેન્દ્ર બગડીયાની સુચનાથી એલસીબી પીઆઈ ડી.એન.ઢોલ સહિત પીએસઆઈ વી.આર.જાડેજા સહિતના સ્ટાફે ધ્રાંગધ્રા તાલુકામાં પેટ્રોલીંગ હાથધર્યું હતું જેમાં સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા રોડ પર કટુડા ગામના પાટીયા પાસેથી શંકાસ્પદ હાલતમાં કારપસાર થતાં તેને રોકી પુછપરછ કરતાં પોતાનું નામ હરદિપભાઈ સવજીભાઈ માલકીયા ઉ.વ.૧૯ રહે.કટુડાવાળો હોવાનું બહાર આવ્યું હતું .

અને સઘન પુછપરછ કરતાં કાર પણ ચોરીની હોવાની કબુલાત કરી હતી. જયારે પોલીસે ઝડપાયેલ આરોપીની વધુ પુછપરછ કરતાં અલગ-અલગ જગ્યાએથી બાઈકચોરીની કબુલાત કરી હતી જેમાં પોતાના રહેણાંક મકાન કટુડા ખાતેથી ૪-બાઈક તેમજ કટુડા ગામની સીમમાં નર્મદા કેનાલ પાસે બાવળોમાં સંતાડેલ ૫-બાઈક સહિતના મુદ્દામાલને ઝડપી પાડયો હતો. આમ પોલીસે આરોપીને ચોરીની કાર અને ૯-બાઈક સહિત કુલ રૂ.૩,૪૦,૦૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી અને જોરાવરનગર પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો હતો. જયારે આરોપીની પુછપરછ દરમ્યાન તમામ વાહનો પોતે એકલાએ છેલ્લા એક વર્ષમાં અલગ-અલગ સમયે, અલગ-અલગ સ્થળેથી ચોરી કરી થોડો સમય ઉપયોગ કરી કોઈ ગેરેજવાળા કે ભંગારવાળાને શોધી વેચી દેતો હોવાની કબુલાત કરી હતી.

(11:47 am IST)