Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

સૌરાષ્ટ્રમાં ભૂમાફિયા વિરોધી કાયદાની ભાવનગરમાં બોણીઃ૩ ફોજદારી કેસ

રાજકોટમાં ભુતકાળમાં ફરજ બજાવી ચૂકેલા ભાવનગર કલેકટર ગૌરાંગ મકવાણાનો સપાટો : એકમાં માર્કેટયાર્ડના સેક્રેટરી અને બે કેસમાં ખુદ મામલતદાર ફરીયાદી

રાજકોટ તા. રઃ રાજય સરકારે જમીન કૌભાંડકારોને સીધા દોર કરવા અમલી બનાવેલ કડક કાયદા બાદ તે અંતર્ગત સૌરાષ્ટ્રમાં અને કદાચ ગુજરાતમાં પહેલો કેસ ભાવનગરમાં થયો છે. અગાઉ રાજકોટમાં પ્રાદેશિક નગરપાલિકા કમિશનર તરીકે ફરજ બજાવી ચુકેલા ભાવનગરના વર્તમાન કલેકટર શ્રી ગૌરાંગ મકવાણાએ એક સાથે ૩ કેસ કરાવતા  જમીન માફીયાઓમાં ફફડાટ મચી ગયો છે. કલેકટરની અધ્યક્ષતામાં કમીટીએ સમીક્ષા કર્યા બાદ એફ. આઇ. આર. કરાવી છે. જેમાં એક કેસમાં માર્કેટ યાર્ડના સેક્રેટરી ફરીયાદી  છે. બીજા બે કેસમાં ખુદ મામલતદાર સરકાર તરફે ફરીયાદી (સ્યુમોટો) બન્યા છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જમીન કૌભાંડકારો સામે આકરા પગલા ભરવા બધા કલેકટરોને આદેશ કર્યો છે.

કૃષ્ણકુમારસિંહજી માર્કેટ યાર્ડની જમીન પચાવવાના આરોપસર છત્રપાલસિંહ પરમાર સામે ફરીયાદ થઇ છે. મહુવાની જમીનના કેસમાં હિતેષ હરસોરા અને રજાક હાલારી સામે તથા અકરવાડાની સરકારી જમીનના કેસમાં રાજેષ ઉર્ફે રાજુ નાનુભાઇ ખસીયા સામે ફરીયાદ થઇ છે. ત્રણેય કેસના આરોપીઓને પોલીસે પકડીને કાયદેસરની કાર્યવાહી કર્યાનું જાણવા મળે છે. ભાવનગર જિલ્લામાં જમીનો પચાવવાના અન્ય કેટલાક પ્રકરણોની પણ સરકારી તંત્ર દ્વારા માહિતી એકત્ર થઇ રહ્યાનું અને જવાબદારો સામે આકરા પગલા તોળાઇ રહ્યાનું જાણવા મળે છે.

(12:09 pm IST)