Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

પોરબંદરઃ રપ વર્ષ પહેલાના ટાડાના કેસમાં પકડાયેલ ધારાસભ્ય કાંધલભાઇ જાડેજાનો બિન-તહોમત છૂટકારો

(સ્મીત પારેખ, ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) પોરબંદર, તા. ર : રપ વર્ષ પૂર્વે ગેરેજ નજીકથી પસાર થતી કારમાં રહેલા અન્ય ૩ લોકો પાસેથી ઘાતક હથીયારો મળી આવ્યાના બનાવમાં ગુન્હાના કામે ધારાસભ્ય કાંધલભાઇ જાડેજા સામે પણ ટાડાની કલમ લગાડી હતી. આ કેસ ચાલી જતાં ડીસ્ટ્રીકટ કોર્ટે ધારાસભ્ય શ્રી જાડેજાને ડીસ્ચાર્જ કરવાનો નોંધપાત્ર હુકમ કર્યો છે.

આ કેસની વિગત એવી હતી કે, તા. ૧૦-૪-૧૯૯પના રોજ આ કામના ફરીયાદી સી.જે.સીંગ પી.આઇ.ને બાતમી રાહે હકીકત મળેલ કે, રાણાવાવ પોલીસ સ્ટેશન ગુનાના નાસ્તા ફરતા આરોપી ગરેજ ગામ તરફથી આવી રહ્યા છે તેવી બાતમી મળતા બે પંચોના માણસોને હાજર રાખી વોચ ગોઠવતા આશરે રાત્રીના પોણા ત્રણ વાગ્યાના અરસામાં ગેરેજ ગામ તરફથી એ શંકાસ્પદ મોટરકાર આવતી જણાયેલ તે ગાડી રોકતા તેના ડ્રાઇવર સહિત ત્રણ વ્યકિતઓ સવાર હતાં તેઓના નામઠામ પૂછતા તેઓ પોરબંદરના એભાભાઇ અરજનભાઇ જાડેજા, બચુ ભીખા, કેશુ ચના હોવાનું જણાવેલ  અને આ વ્યકિતઓને ચેક કરતા તેમના કબ્જામાંથી એક વિદેશી બનાવટની ૯ એમએમએમ પિસ્તોલ, એક વિદેશી બનાવટની ૩ર બોરની રિવોલ્વર તથા તેમના જીવતા કાર્ટીસ તથા એક ૩૧પ બોરનો બોર દેશી તમંચો, બાર બોરનો દેશી તમંચો તથા તેના કાર્ટીસ, તે મુજબ હથીયારો મળી આવતા જે તે સમયના પી.આઇ. સી.જે. સીંગે કુતિયાણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપતા હથીયાધારા તથા ટાડાના પ્રબંધો નીચે ગુનો બનતો હોવાનું ફલીત થતાં કુતિયાણા પો.સ્ટે.માં નોંધાયેલ.

ત્યારબાદ આ કામની તપાસ ટાડા એકટ મુજબ હોય તપાસ આગળ વધતા તહોમતદારોના ટાડા એકટ કલમ ૧પ મુજબ નોંધેલ અને નિવેદનોમાં આ તપાસમાં અલગ-અલગ તબક્કે તપાસમાં નામ ખુલતા ઘણા બધા આરોપીઓને હથીયારો સાથે અટક કરવામાં આવેલ.

ઉપરોકત આ ગુના કામે કાંધલભાઇ જાડેજાને તા. રપ-૪-૧૯૯૯ના રોજ અટક કરી તપાસ પૂર્ણ કરી પોલીસે તેઓ સામે ડેઝીગ્રેટેડ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરેલ. ત્યારબાદ ર૦૦૯ની સાલમા આ તમામ કેસો ડેઝીગ્રનેટેડ કોર્ટમાં ચાલતા ઉપર આવતા તેઓના તે સમયના વકી ડી.ઓ. જોખીયા મારફતે તે મુજબની અરજી આપવામાં આવેલ કે, આ કામે ટાડાની ફરીયાદ દાખલ કરતા પહેલા ડીઅસપીની પૂર્વમંજૂરી હોવી આવશ્યક છે, પરંતુ હાલના કામે ફરીયાદ નોંધાતા પહેલા ડીએસપીની કોઇ જ પૂર્વમંજૂરી મેળવેલ નથી જેથી હાલના કામે ટાડા પ્રબંધો હેઠળ કેસ ચલાવી શકાય નહીં. આ મુજબની અરજી આપતા જે તે સમયના ડેઝગ્રેટેડ જજ એ તે અરજી ગ્રાહ્ય ન રાખતા તે અરજી સામે તહોમતદારોએ કેસની સર્વોચ્ચ ન્યાયાલયમાં ક્રિમીનલ અપીલ ફાઇલ કરેલ.

ત્યારબાદ સુપ્રિમ કોર્ટે તા. ૧૬-૧૦-૧૯ના રોજ હાલના કામે ટાડાના પ્રબંધો લાગુ કરી શકાય તેમ નથી અને જો તહોમતદારો સામે અન્ય કોઇ કાયદા હેઠળ ગુનો જો બનતો હોય તો તેઓની સામે કેસ ચલાવવો તેવો હુકમ ફરમાવેલ જે હુકમને આધીન ડેઝીગ્રેટેડ કોર્ટ હથીયારધારા હેઠળ કેસ ચલાવવા માટે પોરબંદર જીલ્લા અદાલત તરફ કેસ તબદીલ કરી આપેલ.

જેથી ધારાસભ્ય કાંધલભાઇ જાડેજાનો કેસ હાલમાં ડીસ્ટ્રીકટ કોર્ટમાં ચાલવા ઉપર આવતા તેઓએ તેમના સીનીયર ધારાશાસ્ત્રી ગ્રિષ્માબેન જોશી તથા શરદભાઇ જોશી મારફતે તેઓને બિન તહોમત મુકત કરવા અરજી કોર્ટમાં દાખલ કરેલ.

ત્યારબાદ આ કામની દલીલ થતાં સીનીયર ધારાશાસ્ત્રી ગ્રિષ્માબેન જોશી દ્વારા એવી દલીલ કરવામાં આવેલ કે, ધારાસભ્યના કબ્જા ભોગવટામાંથી કોઇ જ હથીયાર કે અન્ય કોઇ મુદામાલ મળી આવેલ નથી. પોલીસે તેઓને માત્રને માત્ર અન્ય આરોપીઓના ટાડાની કલમ-૧પ નીચે નોંધાયેલા નિવેદનોના આધારે જ કાંધલભાઇની ધરપકડ કરેલ છે. તેઓએ વિશેષમાં એવી રજૂઆત કરેલ કે, જયારે સુપ્રિમ કોર્ટે આ કેસના ટાડા એકટ નીચે કે તેના રૂલ્સ નીચે કેસ ચલાવી શકાય તેમ નથી તેવું સ્પષ્ટપણે ઠરાવેલ હોય ત્યારે ટાડાની કલમ-૧પ નીચે નોંધેલ નિવેદન માત્ર પોલીસ રૂબરૂ લીધેલ નિવેદન જ ગણી શકાય. વિશેષમાં તેઓએ દલીલમાં જણાવેલ કે, ભારતીય પુરાવાની કલમ -રપ મુજબ પોલીસે તેમની રૂબરૂ લીધેલ નિવેદનનો પુરાવામાં ગ્રાહ્ય ગણી શકાય નહીં અને કોઇપણ વ્યકિતની સામે ચાર્જ ફરમાવવામાં પુરાવામાં ગ્રાહ્ય ગણી શકાય તેવો પુરાવો હોવો આવશ્યક છે. હાલના કામે કાંધલભાઇ જાડેજા સામે પુરાવો પોલીસ એકત્રીત કરી શકેલ નથી.

ઉપરોકત તમામ દલીલ તથા હાઇકોર્ટ તેમજ સુપ્રિમ કોર્ટના ચુકાદો રજુ કરી કાંધલભાઇ જાડેજાને હાલના કેસમાં ડીસ્ચાર્જ કરવા ડીસ્ટ્રીકટ કોર્ટ દ્વારા હુકમ ફરમાવેલ છે. ઉપરોકત આ કામમાં પોરબંદરના એડવોકેટ ગ્રીષ્માબેન જોશી તથા શરદભાઇ જોશી રોકાયેલ હતાં.

(12:53 pm IST)