Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

મોરબીમાં જુના ઝઘડાના ડખ્‍ખામાં બે પરિવારો વચ્‍ચે બઘડાટી : સામસામી ફરીયાદ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. રઃ મોરબીના વેજીટેબલ રોડ પર જુના ઝઘડાના ખારમાં બે પક્ષો બાખડ્‍યા હતા અને બન્ને વચ્‍ચે સરાજાહેર ધીંગાણું સર્જાયું હતું. આ મુદ્દે બને પક્ષોએ એકબીજા વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસમાં સામસામી ફરિયાદ દાખલ કરી છે.

પ્રથમ ફરિયાદમાં કનકસિંહ તકુભા જાડેજાએ વનરાજસિંહ ઝાલા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા જણાવ્‍યું હતું કે, તેઓ ભાગ્‍યલક્ષ્મી સોસાયટીના શિવમંદિરે પૂજા કરવા ગયા હતા. એ સમયે દૂધ ભૂલી જતા તેમનો પુત્ર ધ્રુવરાજસિંહ દૂધ દેવા આવતો હતો ત્‍યારે તેમની સોસાયટીમાં જ રહેતા વનરાજસિંહ ઝાલાએ ધ્રુવરાજસિંહને અટકાવી બે દિવસ પહેલા ઝઘડો કરવા આવવાનો હતો તો કેમ આવેલ નહી તેમ કહી ગાળો આપવા લાગ્‍યા. જેથી કનકસિંહ અને ધ્રુવરાજસિંહ વનરાજસિંહને સમજાવવા જતા વનરાજસિંહે કનકસિંહ ને લાકડાના ધોકા વડે જમણા પગે તથા વાંસાના ભાગે માર મારેલ તથા ધ્રુવરાજસિંહને વાંસાના ભાગે માર મારેલ તથા ઝઘડામાં વચ્‍ચે છોડાવવા આવેલા કનકસિંહના પત્‍નીને પણ આરોપીએ ધક્કો મારતા જમણા હાથે ઇજા થઇ હતી. જે બાદ વનરાજસિંહ ઝાલાએ કનકસિંહને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. 

સામા પક્ષે મુદ્દે  વનરાજસિંહ ભુપતસિંહ ઝાલાએ ધ્રુવરાજસિંહ અને કનકસિંહ જાડેજા વિરુદ્ધ વળતી ફરિયાદમાં જણાવ્‍યું હતું કે, તેઓપોતાના ઘર પાસે શેરીમા ઉભા હોય ત્‍યારે ધ્રુવરાજસિંહે એકટીવા સ્‍પીડમા ચલાવી નીકળતા વનરાજસિંહએ એકટીવા ધીમુ ચલાવવા ઠપકો આપેલ હોય તે વાતનુ મનદુખ રાખી ધ્રુવરાજસિંહ અને કનકસિંહે વનરાજસિંહના ઘર પાસે આવી ગાળો આપતા વનરાજસિંહએ ગાળો આપવાની ના પાડતા આ બંને આરોપી ઉશ્‍કેરાય જઈ ધ્રુવરાજસિંહ એ લાકડાના ધોકાથી વનરાજસિંહ માથાના ભાગે તથા જમણા પગના ઢીચણે તથા ડાબી બાજુએ પડખાના ભાગે મારી તથા કનકસિંહેએ ઢીકાપાટુ નો માર મારી ઈજાઓ પહોંચાડતા વનરાજસિંહને માથામા ટાંકાઓ લીધેલ હોય તેમજ ડાબી બાજુએ પડખાના ભાગે ફેકચર જેવી ઈજા પહોંચાડીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બન્ને ફરિયાદના આધારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે  ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(1:16 pm IST)