Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

પાટડીનો રણ વિસ્તાર દરિયો બની ગયો

(ફારૂક ચૌહાણ દ્વારા) વઢવાણ,તા.૨ : પાટડી તેમજ આસપાસના ગામોમાં પણ ખુબ જ વરસાદ પડવાથી અનેક ગામોમાં, વિસ્તારોમાં, ઘરોમાં પાણી ભરાઈ જવાના બનાવો વધી રહ્યાં છે તેમજ કાચા મકાનો પડી રહ્યાં છે અને ખેડુતોના મોટાભાગના વાવેલા પાકો પણ બળી જતાં ખેડુતોને મોટાપાયે નુકશાની પહોંચી છે.

જેમાં પાટડીને ફરતે આવેલ રણ વિસ્તારમા ગમે તેટલો વરસાદ આવે તો પણ થોડો સમય પાટડી અને આજુબાજુના ગામોમાં પાણી ભરાઈ રહે છે પરંતુ વરસાદ વિરામ લે એટલે તરત પાણી ઓસરવા માંડે છે અને આ બધું જ પાણી રણ વિસ્તારમાં જતું રહે છે. જયારે બીજી બાજુ ઉત્ત્।ર ગુજરાતના કડી, મહેસાણા, રાધનપુર જવા ગામોમાં પણ બારેમેઘ ખાંગા થતાં ત્યાં પુર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી પરંતુ આ વિસ્તારનું તમામ પાણી પણ પાટડી ખાતે આવેલ વોકળામાં થઈને રણના વિશાળ પટમાં જતાં હાલ રણ વિસ્તાર દરિયામાં ફેરવાય ગયું છે.

આમ હાલમાં ખારાઘોડા, ઝીંઝુવાડા, માળીયાના રણ વિસ્તારમાં માઈલો સુધી પાણી પથરાઈ જતાં રણ સમુદ્રમાં ફેરવાય ગયું છે. દર વર્ષે અગરીયાઓ જલજીલણી અગીયારશને દિવસે રણમાં મુર્હુત કરવા જતાં હોય છે પરંતુ ચાલુ વર્ષે રણમાં જવું અશકય હોય અગરીયાઓ મુર્હુત કરવા પણ જઈ શકયા નથી અને પાટડી તેમજ આજુબાજુ રણ વિસ્તાર હોય વરસાદી પાણી રણમાં વહી જતાં આ વિસ્તારનાં લોકોને મોટી રાહત થઈ છે. આમ પાટડી તાલુકા સહિત ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને પગલે રણ વિસ્તારમાં પાણી ફરી વળતાં રણ દરિયામાં ફેરવાય ગયું છે.

(11:44 am IST)