Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

મોરબી ચુંટણી સભામાં રામમંદિર મુદ્દે હાર્દિક પટેલના વિવાદાસ્પદ નિવેદનનો વિડીયો વાયરલ થતા હોબાળો

કરોડો લોકોની આસ્થાને ઠેસ પહોંચી છે : હાર્દિક અને કોંગ્રેસ માફી માંગે : આઇ.કે. જાડેજાની માંગણી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ર :  હાલ મોરબીમાં વિધાનસભા પેટા ચૂંટણીનો જાહેર પ્રચાર કાલ સાંજથી બંધ થયા છે પરંતુ શનિવારે રાત્રે ૮ વાગ્યે મોરબી તાલુકાના જુના ઘાટીલા ગામે કોંગ્રેસના ઉમેદવારને સમર્થન માટેની ખેડૂત સભામાં પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે રામમંદિર મુદ્દે કરેલા વિવાદાસ્પદ નિવેદનનો વિડીયો વાઇરલ થતા હોબાળો મચી ગયો છે અને દેશના કરોડો હિન્દુઓની ભગવાન રામ પ્રત્યેની આસ્થા-શ્રધ્ધાને ફેસ વાગી છે. ત્યારે સભામાં હાર્દિક પટેલે જણાવ્યું હતું.

ભાજપવાળા પાસે ચૂટણી બાબતે કોઇ મુદ્દો નથી એ કહેશે કે અમે રામ મંદિર બનાવ્યું. તો રામ મંદિર તો અહી જુના ઘાંટીલામાં પણ છે અને યુવાનો ઝાલર વગાડવા નથી થતા તો અયોધ્યા કોણ જશે?

આ નિવેદનને લઇ મોરબી સહિતના વિડીયો વાયરલ થતા હોબાળો મચી ગયો હતો અને કોંગ્રેસ બેક ફૂટ પર આવી ગઇ હતી. અને રાજકારણમાં ગરમાવો આવી ગયો.

પ્રતિક્રિયા આપવા માટે તાત્કાલીક પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ આઇ.કે. જાડેજાએ પ્રેસકોન્ફરન્સ કરી ઉપરોકત નિવેદનને રાખી શબ્દોમાં વખોડી કાઢી નિવેદન ભારતના-મોરબીના લાખો, કરોડો રામભકતોના દિલને ઠેસ પહોંચાડનારૂ, કોંગ્રેસની માનસિકતા દર્શાવનારૂ હોવાનું જણાવી મોરબી ચૂંટણી પ્રચારમાં વાણી વિલાસની સીમા ઓળંગી જનારા કોંગ્રેસી આગેવાનો અને હાર્દિક પટેલને દેશની, દેશના રામ તરફે આસ્થા ધરાવનારા લોકોની માફી માંગવાની માંગણી કરવા સાથે કોંગ્રેસનો અસલી ચહેરો લોકો સામે આવી ગયાનું  જણાવ્યંુ હતું.  

(12:49 pm IST)