Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

સાંસદ આદર્શ ગ્રામ યોજના ગ્રામિણ ભારતના સ્વપ્નને સાકાર કરશે : મહેન્દ્રભાઇ મુંજપરા

સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત કેન્દ્રીય રાજ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મુળી તાલુકાના ટીકર ગામે ગ્રામસભા યોજાઇ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૨ : સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના ટીકર ગામે સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત કેન્દ્રીય રાજયમંત્રીમહેન્દ્રભાઈ મુંજપરાના અધ્યક્ષસ્થાને ગ્રામસભા યોજાઈ હતી.

આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા કેન્દ્રીય રાજય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરાએ જણાવ્યું હતું કે,સાંસદ આદર્શ ગ્રામ યોજના ગ્રામિણ ભારતના સ્વપ્નને સાકાર કરશે.મજબૂત,પારદર્શક ગ્રામ પંચાયતો અને સક્રિય ગ્રામસભાઓ થકી સુશાસન આપીને સ્થાનિક લોકશાહીને મજબુત કરવી એ આ યોજનાનો અગત્યનો ઉદ્દેશ છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે,કેન્દ્ર અને રાજય સરકારની અનેકવિધ યોજનાઓનો લાભ ટીકર ગામના લોકોને મળી રહે તેમજ ગામમાં પાયાની સુવિધાઓ,ખૂટતી જરૂરિયાતો અને માળખાકીય સુવિધાઓનો વિલેજ ડેવલપમેન્ટ પ્લાનમાં સમાવેશ કરી ગામના વિકાસ કામો હાથ ધરવામાં આવશે.

આ પ્રસંગે કેન્દ્રીય રાજયમંત્રીશ્રીએ મહિલા અને બાળવિકાસ વિભાગની વિવિધ યોજનાઓની જાણકારી આપતા જણાવ્યું હતું કે,દીકરી જન્મને પ્રોત્સાહન આપવા માટે બેટી બચાવો બેટી પઢાવો અભિયાન હાથ ધરવામાં આવ્યું છે,તેમજ વોકેશનલ ટ્રેનિંગ પ્રોગ્રામ થકી મહિલાઓ આર્થિક રીતે પગભર બની પરિવારને મદદરૂપ થાય તેવો સરકારનો અભિગમ રહ્યો છે તેમ પણ ઉમેર્યું હતું.

આ પ્રસંગે જિલ્લા કલેકટર એ.કે. ઔરંગાબાદકરે મૂળી તાલુકાના ગામોમાં ૧૦૦ ટકા રસીકરણ કરાવવા બદલ અભિનંદન આપીને જણાવ્યું હતું કે,સરકારના ૧૩ વિભાગોની વિવિધ ૫૬ જેવી સેવાઓ લોકોને ઘર આંગણે ઉપલબ્ધ બને તેવા હેતુથી સેવાસેતુ કાર્યક્રમ કરવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે. આ સેવાસેતુ કાર્યક્રમનો મહત્ત્।મ લાભ લેવાકલેકટરે અનુરોધ કર્યો હતો.

આ તકે જિલ્લા આયોજન અધિકારી એન. જી. પટેલે સાંસદ આદર્શ ગ્રામ યોજનાની વિગતો આપી હતી,તેમજ મુળી તાલુકા વિકાસ અધિકારીએ ટીકર ગામના વિલેજ ડેવલપમેન્ટ પ્લાનમાં સમાવિષ્ટ વિવિધ વિકાસ કામોની વિગતો આપી હતી.

આ પ્રસંગે રાજય મંત્રીશ્રીના હસ્તે ગંગા સ્વરૂપા સહાય યોજના,વૃદ્ઘ પેન્શન સહાય યોજના અને મહિલા ઉત્કર્ષ યોજના લાભાર્થીઓને સહાય હુકમોનું વિતરણ કરાયુ હતું તેમજ મુળી તાલુકાને મળેલ નવી એમ્બ્યુલન્સને રાજયમંત્રીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આ પ્રસંગે ચોટીલા પ્રાંત અધિકારી આર.બી. અંગારી,મુળી પ્રાંત અધિકારી,વિવિધ વિભાગોના અધિકારીઓ,અગ્રણી સર્વશ્રી નરેન્દ્રસિંહ મુંજપરા,મંગળસિંહ પરમાર,રાજેન્દ્રસિંહ પરમાર,રઘુભાઈ સાપર,હરિકૃષ્ણ પટેલ,બ્રિજરાજસિંહ વાઘેલા અને અનિરૂદ્ઘસિંહપરમાર સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

(10:55 am IST)