Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

જુનાગઢની સીંગદાણાની પેઢીને બે પુત્રો-પિતાનો રૂ. ર.૪ર કરોડનો ચુનો

રૂ. ૩.ર૯ કરોડનાં સીંગદાણા ખરીદી માત્ર રૂ. ૮૭ લાખનું પેમેન્ટ કર્યું

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. રઃ જુનાગઢની સીંગદાણા પેઢીને બે પુત્રો-પિતાની ત્રિપુટીએ રૂ. ર.૪ર કરોડનો ચુનો ચોપડી દેતાં વેપારી આલમમાં ચકચાર સાથે સનસનાટી મચી ગઇ છે.

આ અંગેની જુનાગઢમાં ગંધારી વાડી પાસે રહેતા પ્રફુલભાઇ ભીખુભાઇ દેસાઇની જુનાગઢ નજીક રાજકોટ હાઇવે-પર વર્ષા ઇન્ડસ્ટ્રીઝ નામની સીંગદાણાનું કારખાનું કંપની-પેઢી આવેલ છે.

મૂળ-મેંદરડાનાં પાટરામા ગામનાં વતની હર્ષદ વેલજીભાઇ પાઘડાર નામના શખ્સે વર્ષા ઇન્ડસ્ટ્રીઝ જઇ પોતે પટેલ એગ્રો મશીનરી પેઢીનો વેપારી છે તેવી ઓળખ આપી પોતાને મહારાષ્ટ્ર સ્ટેટ સીડસ કોર્પોરેશન લી. નામનો લેટર બતાવી સીંગદાણાનો જથ્થો મંગાવેલ.

દરમ્યાન હર્ષદનો જુનાગઢના જોશીપરામાં રહેતો ભાઇ સંદીપ અને પિા વેજીભાઇ હીરજી પાઘડારે વર્ષા ઇન્ડસ્ટ્રીઝનાં પ્રફુલભાઇ દેસાઇ પાસેથી ૪૯૦.પ ટન સીંગદાણાનો જથ્થો લોડીંગ કરાવેલ.

કુલ રૂ. ૩ કરોડ ર૦ લાખનાં સીંગદાણાની ખરીદીની સામે રૂ. ૮૭ લાખનું પેમેન્ટ કરી અને બાકીનું પેમેન્ટ મહારાષ્ટ્ર સ્ટેટ સીડસ કોર્પોરેશન લી. પાસેથી પેમેન્ટ મળ્યેથી કરી દેશું તેમ જણાવેલ.

આ પછી ત્રિપુટીએ પેમેન્ટ આવતું ન હોવાનું બહાનું બતાવી બદલામાં ઘઉં તેમજ ચણાનો માલ સ્વીકારવાનું જણાવતા પ્રફુલ પટેલે પોતાનાં માણસોને વ્યારા ખાતે માલ લેવા મોકલતા કોઇનો પતો લાગેલ નહિં.

હાલ આ ત્રિપુટી પોતાની પેઢી બંધ કરી તેમજ પોતાના ઘરેથી પણ જતા હોય આથી વર્ષા ઇન્ડસ્ટ્રીઝના પ્રફુલ પટેલ બે પુત્રો-પિતાની ત્રિપુટી સામે રૂ. ર.૪ર કરોડની છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યાની તેમજ મહારાષ્ટ્ર સ્ટેટ સીડસ કોર્પોરેશન લી.નાં ખોટા ડોકયુમેન્ટ બનાવ્યાની ફરિયાદ કરતાં જુનાગઢ તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

વિશેષ તપાસ તાલુકા પી.એસ.આઇ. પી. વી. ધોકડીયા ચલાવી રહ્યા છે.

(1:22 pm IST)