Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

પોરબંદરમાં મોરબી દુર્ઘટના મૃતકોને શ્રધ્‍ધાંજલી અર્પીઃ રન ફોર યુનિટી સાદગીપૂર્ણ યોજાઇ

પોરબંદર તા.૨: રાષ્‍ટ્રીય એકતા દિવસે સાદગીપૂર્ણ રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો હતો
આ તકે મોરબી કરૂણાંતિકાનાં મૃતકોને ભાવપૂર્ણ શ્રધ્‍ધાંજલી અર્પણ કરાઇ હતી. પોલીસ પરેડ ગ્રાઉન્‍ડ ખાતે રાષ્‍ટ્રની એકતા અને અખંડિતતાના શિલ્‍પી સરદાર વલ્લભભાઇ પટેલના જન્‍મદિન નિમિતે રાષ્‍ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સાદગી પૂર્ણ રાષ્‍ટ્રીય એકતા દોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યુ હતું. કાર્યક્રમની શરૂઆતમાં મોરબીની હોનારતનાં મૃતકોને શ્રધ્‍ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. અને સાદગીપૂર્ણ રીતે રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો હતો.
પોલીસ પરેડ ગ્રાઉન્‍ડથી શરૂ કરી ચોપાટી મેળા ગ્રાઉન્‍ડ, વિલા સર્કિટ હાઉસ થઇને પોલીસ પરેડ ગ્રાઉન્‍ડ ખાતે એકતા દોડ પૂર્ણ થઇ હતી. આ તકે ઉપસ્‍થિત તમામ નાગરિકો દ્વારા અખંડિતતા, શાંતિ, સલામતી અને ભાઇચારાના સંદેશ સાથે રાષ્‍ટ્રીય એકતાના શપથ લેવામાં આવ્‍યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્‍લા કલેકટર અશોક શર્મા, જિલ્‍લા પોલીસ વડા રવિ મોહન સૈની, સિનિયર કોચ મનીષ જીલડીયા, ડીવાયએસપી ઋતુ રાબા, જિલ્‍લા રમત ગમત અધિકારી પ્રવિણાબેન, જિલ્‍લા યુવા સંયોજક મેઘાબેન સનવાલ, જિલ્લા શિક્ષણ અધિકારી કણસાગરા, સહિત અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ તથા વિવિધ સંસ્‍થાના આગેવાનો તથા શહેરીજનો દોડમાં જોડાયા હતા.

 

(10:48 am IST)