Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

ઝૂલતાપૂલ દુર્ઘટનાના પીડિતોની મદદ માટે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ પણ આગળ આવ્યું

ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા મુખ્યમંત્રી સહિત કલેકટરને પત્ર પાઠવી દુર્ઘટનાના અસરગ્રસ્તોને શિક્ષણ અને રોજગાર આપવાની તૈયારી દર્શાવાય

( પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબી તા.૨ : મોરબીમાં મચ્છુ નદી પર ઝૂલતાપૂલ તૂટવાની હૃદયદ્રાવક દુર્ઘટના મામલે અસરગ્રસ્તોને તમામ રીતે મદદરૂપ થવા વિવિધ સંસ્થાઓ આગળ આવી છે. ત્યારે ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા મુખ્યમંત્રી સહિત કલેકટરને પત્ર પાઠવી દુર્ઘટનાના અસરગ્રસ્તોને શિક્ષણ અને રોજગાર આપવાની તૈયારી દર્શાવી છે અને નોંધારા બાળકોને શિક્ષણ આપવા GCCIએ તત્પરતા દાખવીને આ આ અંગે તંત્ર સાથે સંકલન કરવાનું જણાવ્યું છે.

 

ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ પથિક પટવારીએ મુખ્યમંત્રી અને મોરબી કલેકટરને પત્ર લખીને જણાવ્યું હતું કે, 30 ઓક્ટોબર, 2022 રવિવારના દિવસે મોરબી સ્થિત મચ્છુ નદી પર પુલ તૂટી જવાથી થયેલ હૃદયદ્રાવક દુર્ઘટના પરત્વે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના તમામ સભ્યો દિલસોજી વ્યક્ત કરીએ છીએ અને આ ખુબજ દુઃખદ પ્રસંગે GCCI તરફથી શક્ય તમામ સહાયતા અંગે ખાતરી આપીએ છીએ. રાજ્યમાં જ્યારે જયારે આવી કોઈ કુદરતી કે માનવસર્જિત હોનારત સર્જાઈ છે ત્યારે રાજ્યના મહાજનોએ આગળ આવી રાહત કાર્યો તેમજ પુનર્વસવાટ અંગે પોતાની તમામ શક્ય મદદ પુરી પાડેલ છે. આ પરંપરાને જાળવી રાખવા ઉપરોક્ત મોરબી દુર્ઘટના અંગે GCCI શક્ય તમામ મદદ પુરી પાડવા તત્પર છે.

 

વધુમાં જણાવ્યું હતું કે, ખાસ તો ઉપરોક્ત દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટનાને કારણે અનેકના મોત થયા છે તેમજ અનેક બાળકોએ પોતાના માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. અનેક કિસ્સાઓમાં કુટુંબના જીવનનિર્વાહની જવાબદારી નિભાવનાર મોભી વ્યક્તિઓએ પોતાનું જીવન ગુમાવ્યું છે. આવા અનાથ થયેલ બાળકોને તેમના શિક્ષણ પરત્વે સહાયરૂપ થવા તેઓ તત્પર છીએ. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલ વ્યવસાયિક તેમજ ઔદ્યોગિક એકમો થકી અમે આવા નિરાધાર થયેલ બાળકોના શિક્ષણ માટે નાણાકીય સહાય તેમજ કુટુંબના સભ્યને રોજગાર પુરો પાડવા અંગે સહાય કરવા ઇચ્છીએ છીએ. આ અંગે શક્ય હોય તો સરકાર અને કલેકટર સાથે રુબરુ મિટિંગ કરી આ બાબતે ચોક્કસ યોજના બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી આ માટે અનુકૂળ સમય ફાળવવાની અપીલ કરી છે.

(4:08 pm IST)