Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

પુલ દુર્ઘટનાની ઝીણવટપુર્વક તપાસ કરવા નરેન્‍દ્રભાઇની સુચના

મોરબી ખાતે ઘટના સ્થળનું નિરીક્ષણ મૃતકનાં પરિવારજનોને સાંત્વના, ઇજાગ્રસ્તોની સાથે મુલાકાત તથા સમીક્ષા બેઠકઃ ભુપેન્દ્રભાઇ પટેલ, સી.આર.પાટીલ, હર્ષ સંઘવી સહિતની ઉપસ્થિતી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા., રઃ મોરબી ઝુલતા પુલ દુર્ઘટના બાદ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી કાલે સાંજે મોરબીની મુલાકાતે આવ્‍યા હતા.
મોરબીમાં ગત રવિવારના સાંજે બનેલી ઘટનાના શોક અને આઘાત હજુ ઓસર્યા નથી. ઝૂલતો પૂલ તુટી પડવાના કારણે ૧૩પ લોકોએ જીવ ગુમાવ્‍યા છે. આ દુર્ઘટનામાં કેટલાક વાલીઓએ બાળકો ગુમાવ્‍યા છે તો ઘણા બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. ઘણા પરિવારો વેરવિખેર થઇ ગયા છે. ઘટનાના ત્રીજા દિવસે પણ હજુ મચ્‍છુમાંથી મૃતદેહ શોધવાની કામગીરી ચાલી રહી છે. આ ઘટનાથી દ્રવી ઉઠેલા વડાપ્રધાન મોદી આજે મોરબી આવી પહોંચ્‍યા હતા અને ઘટનાની તમામ વિગતો મેળવીને અધિકારીઓને સ્‍વતંત્ર અને ઝીણવટપૂર્વક તપાસ કરવા સ્‍પષ્‍ટ સુચના આપી છે.
મોરબીમાં ઝૂલતા પૂલ દુર્ઘટનાના પગલે નરેન્‍દ્રભાઇ મોદી મોરબી આવ્‍યા હતા. તેમણે સૌ પ્રથમ હેલિકોપ્‍ટરથી દુર્ઘટનાગ્રસ્‍ત પુલનું નિરીક્ષણ કર્યુ હતું. ત્‍યારબાદ તેઓએ દુર્ઘટના સ્‍થળની મુલાકાત લીધી હતી અને ત્‍યારે તેમની સાથે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ, ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્‍થિત રહ્યા હતાં.
વડાપ્રધાનને ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ ઝૂલતા પુલની તમામ માહિતીથી વાકેફ કર્યા હતાં.
તેમજ ઘટના કંઇ રીતે બની તેની માહિતી આપી હતી. ત્‍યારબાદ વડાપ્રધાન પુલ દુર્ઘટનામાં ઘાયલ લોકોના ખબર અંતર પૂછવા માટે સીવીલ હોસ્‍પિટલ ગયા હતા  જયાં તેમણે ઇજાગ્રસ્‍ત પાંચ યુવકો અને એક યુવતીના હાલચાલ પૂછયા હતા અને તેમની સારવારની વ્‍યવસ્‍થાની સ્‍થિતિની સમીક્ષા કરી હતી.

 

(11:36 am IST)