Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

બીજા રાજ્‍યોની દુર્ઘટનાને વખોડવી અને પોતાની સરકારમાં બનેલી મોરબીની દુર્ઘટના છાવરવી એ ક્‍યાંનો ન્‍યાય ? શકિતસિંહ ગોહિલ

બેવડા વલણ સામે આકરા પ્રહારો કરતા કોંગ્રેસના નેતા અને રાજ્‍યસભાના સાંસદ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૨ ફ મોરબી ઝૂલતાપૂલ દુર્ઘટના મામલે  કોંગ્રેસના નેતા શક્‍તિસિંહ ગોહિલ મોરબી દોડી આવી ઘટનાસ્‍થળે તેમજ સિવિલ હોસ્‍પિટલમાં અસરગ્રસ્‍તોની મુલાકાત લઈને સાંત્‍વના આપી હતી એ તકે તેમણે ખાસ મીડિયા સામે વડાપ્રધાન મોદી ઉપર આકાર પ્રહાર કરતા કરી બંગાળમાં પુલ તૂટવાની ઘટના વિશે મોદી જે બોલ્‍યા હતા તેની કેસટ વગાડીને સંભળાવી હતી. જેમાં મોદીએ બંગાળમાં પુલ તૂટવાની ઘટનાની આકરી ટીકા કરી આ ઘટના કુદરતી સર્જિત નહિ પણ ચૂંટણી સમયે મમતા બેનર્જીની સરકારની મેલી રમતને કારણે પુલ તૂટ્‍યો અને ભગવાને આ ઘટનાથી સંદેશ આપ્‍યો કે તમે કેવી સરકાર ચાલવો છે. ત્‍યારે શક્‍તિસિંહ કહ્યું હતું કે વડાપ્રધાને બંગાળ કરતા પણ મોરબીની મોટી આ દુર્ઘટના વિશે આ બંગાળના શબ્‍દોને અહીં દોહરાવવાની જરૂર હતી.
શક્‍તિસિંહ ગોહિલે જણાવ્‍યું એક વડાપ્રધાન તરીકે તેમના માટે આખો દેશ એક સમાન છે અને તમામ રાજયોમાં જવાબદારી તેમની બને છે. આવા પદ પર બિરાજમાન થઈને બીજા રાજયની અન્‍ય સરકારમાં બનેલી દુર્ઘટનાને વખોડવી અને પોતાની સરકારમાં હાલ બનેલી મોટી મોરબીની દુર્ઘટનાને છાવરવી એ કયાંનો ન્‍યાય છે ? જો બંગાળમાં જે શબ્‍દો બોલ્‍યા હતા તે શબ્‍દો અહીં મોરબીમાં બોલીને પોતાની સરકારના ચૂંટણી સમયે વાહવાહી લૂંટવાની વાતને કાન આમળ્‍યો હોત તો ખરેખર એક વડાપ્રધાનની ઉજળી છબી બની જાત. જો કે આ પુલને તાંત્રિક મજૂરી વગર ચાલુ કરી દીધો એમ સીધી સરકારની ગેરજવાબદારી બને છે. પુલ ખુલ્લો મુક્‍યો ત્‍યારે ભાજપે આ પુલથી વિકાસ કર્યો તેવા મોટા હોર્ડિંગ માર્યો હોવાનો કોગ્રેસે દાવા કર્યા હતા અને પુલ તૂટતા હોડીગ ઉતારી લેવાયા હોવાના આક્ષેપ કર્યા હતા. ચૂંટણી સમયે પુલ ખુલ્લો મૂકીને લોકોની વાહવાહી કે મત મેળવવાની ભાજપની મેલી મુરાદ હાલ આ દુર્ઘટનાથી ખુલ્લી ગઈ છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, આ દુઃખદ પ્રસંગ રાજકારણ ખેલવાનો નથી. હું રાજનીતિ કરવા આવ્‍યો નથી. પણ દુર્ઘટના પછી લોકોની જે વ્‍યથા મેં સાંભળી છે એ રજૂ ન કરૂ તો એક હતભાગીઓને અન્‍યાય કર્યો ગણાય એટલે જ ચૂંટણી સમયે પુલને ખુલ્લો મુકીને લોકો પાસેથી વિકાસના નામે મત મેળવવા એ ભાજપની ચાલ ઉઘાડી પડી છે.માટે સરકારે આ ઘટનાની જવાબદારી લેવી જોઈએ અને વળતર કે કમિટી નિમીને ઢાકપીછોડો ન થાય તે જોવાની સરકારને ખાસ જરૂર છે. પુલના રીનોવેશનથી લઈને તૂટવા સુધીમાં તાંત્રિક મંજૂરી ન હોય અને ટેકનીકલ ક્ષતિઓ અંગે ન્‍યાયિક તપાસ થવી જોઈએ ખરેખર આ દુર્ઘટનાના હતભાગી પરિવારોને સાચો ન્‍યાય મળે તે માટે સરકાર કાર્યવાહી કરે અને તમામ કસૂરવારને ન છોડે તેવા ઠોસ કદમ ઉઠાવે તેવી તેમણે માંગણી કરી હતી.

 

(11:52 am IST)