Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

વાંકાનેરમાં ૨૦ વર્ષથી અધુરા પડેલા કામોના શ્રીગણેશ

(મહમદ રાઠોડ દ્વારા)વાંકાનેર તા. ૨ : વાંકાનેર નગરપાલિકાના કેટલાક એવા વિસ્‍તારો જયાં વીસ વર્ષથી રસ્‍તા - લાઇટપાણી - સફાઇ સાથે ગટરના કામો થયા નથી. તે કામો સરકારના નીમાયેલા વહીવટદાર અને મામલતદાર કાનાણી તથા મુખ્‍ય અધિકારી સંદિપસિંહ ઝાલાએ સર્વે કરાવી  અલગ અલગ વોર્ડની કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી.

વોર્ડ નં. ૧ એટલે કે નવાપરા- ખડીપરામાં પાણીનો ગંભીર પ્રશ્‍ન હોય તે પ્રશ્‍ન ૧૫ થી ૨૦ દિવસમાં નિકાલ કરવાની ખાત્રી અપાઇ હતી. સાથે રસ્‍તા અને સફાઇ માટેની કામગીરી પણ બે દિવસમાં શરૂ કરવાની ખાત્રી અપાઇ હતી. આ વિસ્‍તારમાં ઉકત કામોના ખાતમુર્હુત સમયે નાયબ કલેકટર શિરેસીયા, વહીઅટદાર કમ મામલતદાર કાનાણી તથા વાંકાનેરના મહારાજ કેશરીદેવસિંહ, રોડ રસ્‍તા સફાઇના કોન્‍ટ્રાકટર, વોર્ડ નં. ૧ના પૂર્વ સભ્‍ય દલસાણીયા જેન્‍તીભાઇ તથા રજૂઆતકર્તાઓ હાજર રહ્યા હતા.

વોર્ડ નં. ૨ના મિલ કોલોની તથા મિલ પ્‍લોટના માજીસભ્‍ય રાજભા ઝાલા સાથે ભાટી એન. તથા હાજરજનો દ્વારા ખાત મુર્હુત પ્રસંગે કેશરીદેવસિંહ તથા મુખ્‍ય અધિકારીનું સન્‍માન કરાયું હતું.

જીતુભાઇ તથા ધર્મેન્‍દ્રસિંહના વોર્ડ નં. ૩માં વર્ષોથી રસ્‍તા ગટર અને પાણીના મુખ્‍ય પ્રશ્‍નો વીસ દિવસમાં હલ કરવાની ખાત્રી અપાઇ હતી. તગા રસ્‍તાનું ખાતમુર્હુત કરાયું હતું. આ સમયે રમેશભાઇ મકવાણા સાથે કેશરીદેવસિંહને વધાવાયા હતા.

વોર્ડ નં. ૪માં પણ રોડ રસ્‍તા, ગટરનાલાના કામો વર્ષોથી થયા નથી. મુમનમહેરી - ભોરણીયા શેરીનું કામ ટૂંક સમયમાં શરૂ થનાર છે. વોર્ડ નં. ૫, વોરાવાડ, રૂગનાથજી શેરી, કુંભારપરા, વોર્ડ નં. ૬ દિવાનપરા, મોર્ડન સિનેમા પાછળની શેરીના આ વિસ્‍તારો તથા વોર્ડનં.૭ના વિસ્‍તારોના કામોના પણ ખાતમુર્હુત આજ દિવસે થવા પામેલ હતા. ખાત મુર્હુત સમયે ભરત ઠાકરાણી, મહેન્‍દ્રસિંહ, મહમદભાઇ રાઠોડ, અમરશીભાઇ, ગજેન્‍દ્ર રાઠોડ સાથે વહીવટી અધિકારીઓ હાજર રહ્યાં હતાં. તેમજ વોર્ડનં૪માં અબ્‍બાસ પીલુડીયા, સલીમ મેસાણીયા, દિલીપભાઇ એડવોકેટ, જાફરભાઇ, ઇસ્‍માઇલ શેરસીયા સહિતના મોટી સંખ્‍યામાં અગ્રણીઓએ હાજર રહી કામગીરીને બીરદાવી હતી.  આ વિસ્‍તારની કામગીરી માટે જાકીરભાઇ બ્‍લોચ સાથે મહમદભાઇ રાઠોડે પરામર્શ કરી હતી. હાલમાં નગરપાલિકાના વહીવટી અધિકારીઓએ જણાવેલ કે, જે કામોના ખાતમુર્હુત થયા છે તે કામો ટુક સમયમાં શરૂ કરાશે. જે દોઢ કરોડની ગ્રાન્‍ટમાંથી તુરંત હાથ ધરાશે. જ્‍યારે બાકીના સાડાચાર કરોડના કામો અગાઉની ચુંટણી બાદ શરૂ કરાશે તેમ ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા તથા વહીવટદાર કાનાણીની યાદીમાં જણાવાયું હતું.

(12:14 pm IST)