Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

પોરબંદર : ચૂંટણી લડનારા ઉમેદવારો સામે પાક મરીન દ્વારા ભારતીય માછીમારોના અપહરણનો પડકારજનક જટીલ પ્રશ્ન

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા.૨: પાક મરીન દ્વારા ભારતીય માછીમારોના જળસીમાએ વારંવાર અપહરણનો જટીલ પ્રશ્ન સહિત માછીમારોના અન્ય પ્રશ્નો આગામી વિધાનસભાની ચૂંટણી લડનારા ઉમેદવારો માટે પડકારજનક રહેશે.

આંતરરાષ્ટ્રીય જખૌ જળ સીમાની અંદર ઘુસી જઇને પાકિસ્તાન મરીન સીકયુરીટી એજન્સી ભારતીય માછીમારોના વારંવાર અપહરણ કરી જાય છે અને પાકિસ્તાનની જેલમાં ભારતીય માછીમારોને પુરતુ ખાવાનું નહીં આપીને  માર મારવાનો ત્રાસ વર્તાવે છે, હાલ પાકિસ્તાનની કરાંચી જેલમાં ૬૦૦ ભારતીય માછીમારો છે પાક જેલમાં કોઇ માછીમાર બીમાર થાય તો તેની દરકાર કરાતી નથી અને કોઇ સંજોગોમાં ભારતીય માછીમારનું મૃત્યુ થાય તો ૨ માસ કે તેથી વધુ સમય સુધી મૃતદેહ વતન મોકલવામાં આવતો નથી.

ભારત સરકાર પાકિસ્તાનની જેલમાં સબડતા માછીમારોને છોડાવવા પુરતો પ્રયત્નો કરતા નથી. કેટલાંક માછીમારોની સજા પૂર્ણ થઇ ગયા બાદ માછીમારોને પાકિસ્તાન જેલમાંથી છોડવામાં આવતા નથી. પાકિસ્તાનની જેલમાં માછીમારનું મૃત્યુ થાય તો તેમનો મૃતદેહ ભારતને સોંપવામાં વિલંબ કરે છે. આ પ્રશ્ને અનેક વખત ભારત સરકારને વિનંતી કરતી રજૂઆત કરવામાં આવે છે. છતાં કાર્યવાહી કરાતી નથી.

જળ સીમાએ માછીમારોના અપહરણ સાથે પાકિસ્તાન બોટને લઇ જાય છે. સમયાંતરે પાકિસ્તાન સરકાર ભારતીય માછીમારોને છોડી દયે છે પરંતુ કિંમતી બોટ પરત આપતી નથી. આવી અબજો રૃપિયાની ફિશીંગ બોટ પાકિસ્તાનના દરિયાકાંઠે સડી રહી છે બીજી બાજુ ધરતીપુત્રોની જેમ સરકાર સાગરખેડૂતને સરકારી દેવા માફ કરતી નથી તેમજ ખેડૂત પુત્રની જેમ સાગરખેડૂને પુરતી સહાય અપાતી નથી. આગામી વિધાનસભાની ચૂંટણીમાં માછીમારોના અનેક પ્રશ્નો ઉમેદવારો સામે પડકારરૃપ છે.

(1:51 pm IST)