Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

મોરબી હોનારત બાદ રેસ્ક્યુ કામગીરી સંભાળનાર ગુજરાત સ્ટેટ ફાયર વિભાગના ડાયરેકટ સાથે નરેન્દ્રભાઇની સમીક્ષા

જામનગરના ફાયર અધિકારીના વડપણ હેઠળ ૨૧ ફાયર ઓફિસર- ૨૦૪ ફાયરના કર્મચારીઓ રેસ્ક્યુ કામગીરીમાં જોડાયાઃ ૨૨ રેસ્કયુ બોટ- ૧૨ એમ્બ્યુલન્સ તથા ૧૪ રેસક્યુ વ્હીકલ અને ફાયર ફાઈટર ની પણ મદદ લેવાઈ : નેવી- કોસ્ટગાર્ડ- એરફોર્સ- આર્મી- એનડીઆરએફ અને એસડીઆરએફની પણ સંયુકત કામગીરી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨: મોરબીના ઝુલતાપુલની હોનારત બાદ સમગ્ર ગુજરાત રાજ્યભર માંથી રેસ્ક્યુ કામગીરી માટે જુદી જુદી એજન્સીઓની મદદ લેવામાં આવી હતી, અને ગુજરાત સ્ટેટ ફાયર પ્રીવેન્શન સર્વિસીસના ડાયરેકટરની દેખરેખ હેઠળ મોરબીમાં રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે, જે સમગ્ર કામગીરીનો અહેવાલ  ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની મુલાકાત સમયે રજૂ કરવામાં આવ્યો હતો, અને વડાપ્રધાને જામનગરના ફાયર અધિકારી કે. કે. બિશ્નોય સાથે વાતચીત કરીને સમગ્ર જાણકારી મેળવી હતી.

 મોરબીના ઝુલતાપુલની રવિવારે બનેલી હોનારત પછી જામનગરના  ફાયર ઓફિસર તેમજ ગુજરાત સ્ટેટ ફાયર પ્રીવેન્શન સર્વિસીસના ડાયરેકટર કે.કે.બિશ્નોઇ તાત્કાલિક અસરથી જામનગરના બે ફાયર ઓફિસર તથા ૧૨ જેટલા ફાયર કર્મચારીઓને બે બોટ તથા બે રેસક્યુવેન સાથે મોરબી પહોંચ્યા હતા.

 ત્યાર પછી તેઓની દેખરેખ હેઠળ રાજકોટ, મોરબી, ગોંડલ, અમરેલી, ખંભાળિયા, દ્વારકા, ભુજ, ભચાઉ, ગાંધીધામ, હળવદ, વેરાવળ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, અને ભાવનગર સહિત ૧૭ જેટલા જિલ્લાઓમાંથી ફાયરની મદદ લેવામાં આવી હતી.

 જેમાં કુલ ૨૧ ફાયર ઓફિસરો, અને ૨૦૪ ફાયર કર્મચારીઓ જોડાયા હતા. દુર્ઘટના બાદ થી અત્યાર સુધી રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે, જેમાં ૨૨ જેટલી રેસ્ક્યુ બોટની મદદ લેવામાં આવી છે, ઉપરાંત ૧૨ એમ્બ્યુલન્સ ની મદદ લેવાઈ રહી છે. ઉપરાંત ફાયર ફાઈટર અને રેસ્ક્યુ વેન વગેરે ૧૪ વાહનોને પણ જોડવામાં આવ્યા છે.

આ સમગ્ર કાર્યવાહીમાં ઇન્ડિયન નેવી, કોસ્ટ ગાર્ડ, એરફોર્ષ, આર્મી, એન ડી આર એફ, અને એસ ડી આર એફ ની ટીમ પણ જોડાઈ ચૂકી છે, અને યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. સાથો સાથ નદીમાં ફસાયેલા મૃતદેહોને પણ બહાર કાઢવામાં આવી રહ્યા છે.

 મંગળવારે બપોર પછી ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, કે જેઓ એ પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી, જે દરમિયાન ફાયર વિભાગના ડાયરેકટર કે. કે. બિશ્નોઇ સાથે વાતચીત કરીને સમગ્ર રેસ્ક્યુ કામગીરી નો અહેવાલ માંગ્યો હતો. જે કામગીરી હજુ પણ અવિરત ચાલુ રખાઇ છે.

ગુજરાત રાજ્ય સરકારના ગૃહ મંત્રી હર્ષ સંઘવી ખુદ ત્યાં જ મુકામ રાખીને ખડે પગે રહ્યા છે અને તમામ એજન્સીઓના અધિકારીઓ સાથે રેસ્ક્યુ કામગીરીની સમીક્ષા કરી હતી.

(1:34 pm IST)