Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

કેશોદમાં ભાજપ-કોંગ્રેસમાંથી ધારાસભ્‍ય બનવા એકસો વીસ ઉમેદવારો તૈયાર થયા છે પરંતુ...

બન્ને પક્ષો માટે ડેમેજ કંટ્રોલ આકરી સમસ્‍યા બનશે

(દિનુભાઇ દેવાણી દ્વારા) કેશોદ તા. ર :.. ગણત્રીના દિવસોમાં જ આવી રહેલી વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવી ધારાસભ્‍ય બની જવા માટે ભાજપ-કોંગ્રેસમાંથી ૧ર૦ જેટલા સંભવિત ઉમેદવારો તૈયાર થયા છે. પરંતુ આમાંથી કેટલાક તો એવા છે કે જેને ધારાસભાની ચૂંટણીના ઉમેદવાર માટે જરૂરી એવુ સામાન્‍ય જ્ઞાન પણ નથી બીજા શબ્‍દોમાં કહી એ તો નગરપાલિકામાં પણ ના ચૂંટાય એવા કેટલાક સંભવિત ઉમેદવારો ઉભા થયા છે. બન્ને પક્ષો માટે આવા મહત્‍વકાંશીઓને કંટ્રોલ કરવા માટે ભારે દાખડો કરવા પડશે તે નિヘતિ છે.

આગામી સવા માસમાં અર્થાત ૩૭ દિવસમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગેની તમામ કામગીરી પુરી થઇ જશે અને જે તે મત વિસ્‍તારનો વિધાનસભાનો પ્રતિનિધિ પણ નકકી થઇ જશે કેશોદ વિધાનસભા મત વિસ્‍તારને આ હકિકત સાથે લાગે-વળગે છે ત્‍યાં સુધી ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અત્‍યારે મુખ્‍ય મેદાનમાં દેખાય રહ્યા છે પરંતુ એ સાથે કેટલાક અપક્ષો પણ પોતાનું નસીબ અજમાવવા મથી રહ્યા છે.

મુખ્‍ય ત્રણ પક્ષોની વાત કરીએ તો આમ આદમી પાર્ટીએ તો પોતાનો ઉમેદવાર ઘણા દિવસો પહેલા જાહેર કરી દીધો છે. જેથી તેનો તો કોઇ પ્રશ્ન જ નથી. હવે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર જાહેર થવા બાકી છે એ માટેની જરૂરી સેશ. લેવાની વિધી પુરી થઇ ગયેલી છે. હવે જાહેર થવા આડે માત્ર ગણત્રીના દિવસોનો સવાલ છે અને જે સંભવીત ઉમેદવારો પોતાનું નસીબ અજમાવવા માટે મથી રહ્યા છે તે લોકો માટે એક એક કલાક એક - એક દિવસ જેવો પસાર થાય છે પોતાનું નામ કયાં પહોંચ્‍યુ કોની ભલામણ મદદરૂપ થાય તેમ છે તેના સતત પ્રયાસો રાઉન્‍ડ ધ કલોક ચાલુ જ છે.

પરંતુ આ સ્‍થિતી વચ્‍ચે સૌથી મહત્‍વની વાત છે એકસો વીસના આંકડાની આ એકસો વીસમાંથી ચૂંટવાનો છે એક જ પ્રતિનિધી બાકીના એકસો આગણીશ નિરાશ થશે મતદારો અને ભાજપ-કોંગ્રેસ જાકારો આપશે.

હવે ભાજપ-કોંગ્રેસ જે તે ટીકીટ નહિ આપે અર્થાત જાકારો આપશે તે ભારે નારાજ થશે આ લોકો એમ જ અત્‍યારે માને છે કે પોતાને જો પાર્ટી ઉમેદવાર તરીકે પસંદ કરશે તો સો ટકા ભારે બહુમતીથી ચૂંટાય જશે. પરંતુ પાર્ટીએ ટીકીટ ના આપી. આથી આવા લોકો જે તે પાર્ટીના સત્તાવાર ઉમેદવારને હરાવવા માટે પોતાની તમામ તાકાત કામે લગાડશે તેમાં કેટલા સફળ થાય તે પરિણામ આવ્‍યે  ખબર પડશે પરંતુ આવા લોકો ખુલ્લા અથવા ખાનગીમાં પાર્ટીના સત્તાવાર ઉમેદવારને નુકશાનના કરે તે માટે બન્ને પાર્ટીએ ભારે દાખડો કરવો પડશે તેમાં બેમત નથી બન્ને પક્ષના આવા સંભવિત ઉમેદવારોના નામ ઉપર નજર નાખી એ તો અડધા ઉપરાંતનો એવા છે કે સ્‍થાનીક પંચાયતમાં પણ ના ચૂંટાય અથવા તો તેને વિધાનસભાની ચૂંટણીની ગંભીરતાની કાંઇ ખબર જ નથી. જો કે કેટલાક તો એવુ માનતા જણાય છે કે ન ચૂંટાયે તો કોઇ હરકત નહિ. પરંતુ ઇલેકટ્રેનિક વોટીંગ મશીનમાં નામ તો આવશે ને ...!

બીજી તરફ વિધાનસભાની ચૂંટણીની આ વાત સાથે સ્‍થાનિક કેશોદના વ્‍યાપારી આલમને વળગે છે ત્‍યાં સુધી ગ્રામ્‍ય વિસ્‍તારની  જનતા ખેતી કામમાં રોકાયેલી હોવાથી દર વરસે દિવાળી પછી જે ઘરાકી શરૂ થાય છે તે હજુ શરૂ થઇ નથી.

પરંતુ ચૂંટણીના ખરા દિવસો આવશે ત્‍યાં સુધીમાં ગ્રામ્‍ય વિસ્‍તારની જનતા શિયાળુ પાકનું વાવેતર કરી હળવા થઇ ગયા હશે. જેથી ચૂંટણીના કારણે બજારમાં નાણુ ફરશે અને ગ્રામ્‍ય વિસ્‍તારની જનતાની પણ ખરીદી નીકળશે જેથી ચૂંટણીની સાથો સાથ વ્‍યાપાર ધંધાની પણ મોસમ નીકળશે તેવો આશાવાદ અત્‍યારે તો વ્‍યાપારીઓ રાખી રહ્યા છે.

(1:35 pm IST)