Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

પૂલ તૂટયો તેની ૨ મિનીટ પહેલા વઢવાણના પરિવારના ૨૨ સભ્યો નીચે ઉતરી જતા બચી ગયા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૨ : પુલ તૂટી પડ્યો તેની માત્ર ૨ મિનિટ પહેલાં જ વઢવાણના પરિવારના ૨૨ સભ્ય પુલની નીચે ઊતરી ગયા હતા અને તમામનો જીવ બચી ગયો હતો. વઢવાણમાં ૮૦ ફૂટ રોડ પર આવેલા નવરંગ-૩માં રહેતા હસમુખભાઈ હડિયલ પુત્ર વિવેકભાઈ સહિતના ૨૨ સભ્યના પરિવાર સાથે મોરબી રહેતી દીકરીના ઘરે દિવાળી નિમિત્તે મળવા ગયા હતા. ત્યાંથી સમગ્ર પરિવાર ઝૂલતા પુલ પર ગયા હતા. આખો પરિવાર પુલ પર આનંદ કરીને પરત ફર્યો હતો. હજુ તો ઘરના લોકો પુલની બહાર ભેગા પણ થયા નહોતા ને ત્યાં જ અચાનક દોડધામ અને ચિચિયારીઓ સંભળાઈ હતી. આ બાબતે સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકાના ઍન્જિનિયર વિવેકભાઈ હડિયલે જણાવ્યું કે માત્ર ૨ મિનિટના સમયમાં મારા ૨૨ સભ્યનો પરિવાર બચી ગયો હતો. બુમાબુમ થતાં પહેલાં ઘરના સભ્યોને ગાડીમાં બેસાડીને અમે બંને ભાઈ નદી તરફ ગયા પરંતુ પાણીમાં ઊતરી શકાય તેવી સ્થિતિ નહોતી. આથી લપસીને અમે પાણીમાં ઊતર્યા હતા. પહેલાં ડૂબતા લોકોને બચાવવા ­પ્રયાસ કર્યો. તો ઘણા હાથ-પગ કે ઈજા થવાને કારણે પડ્યા હતા, તેમને બહાર કાઢ્યા હતા.
ધ્રાંગધ્રાની આર્મી રેસ્કયુની કામગીરીમાં જાડાઈ
ધ્રાંગધ્રા આર્મીના બ્રિગડીયર, ડોક્ટર, મેડીકલ સ્ટાફ, બોટ અને ૧૫૦ જવાનો સાથે મોરબી ખાતે પહોંચી રેસ્કયુની કામગીરી શરૂ કરાઈ હતી. ધ્રાંગધ્રા નગરપાલિકાની ફાયર અને સ્થાનિક તરવૈયાઓ પણ મોરબી પહોઁચી ગયા હતા.

(1:39 pm IST)