Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

જસદણના વીરપર ગામમાં તબીબ મેહુલભાઇ જોગરાણાના મકાનમાં ૧.૮૧ લાખની ચોરી

તબીબ પરિવાર ચોટીલાના રાજપરા ગામે બહેનના ઘરે ધાર્મિક પ્રસંગમાં ગયાને તસ્કરો હાથફેરો કરી ગયા

રાજકોટ, તા.૨: જસદણના વિસ્તાર ગામમાં સ્મશાનની સામે રહેતા તબીબના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો રોકડ તથા દાગીના મળી રૃા.૧,૮૧,૫૦૦ની મતા ચોરી જતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ વિરપર ગામમાં રહેતા તબીબ મેહુલભાઇ ગેલાભાઇ જોગરાાણા (ઉ.વ.૩૨) એ ભાડલા પોલીસ  મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યુ છે કે પોતે ભાડલા ખાતે સત્યમ હોસ્પિટલ ચલાવે છે ગત તા.૩૧ના રોજ પોતે પરિવાર સાથે મકાનને તાળુ મારી ચોટીલાના રાજપરા ગામમાં રહેતા બહેનના ઘરે ધાર્મિક પ્રસંગમાં ગયા હતા બપોરે હોસ્પિટલે જવાનુ હોઇ જેથી પોતે અને હોસ્પિટલમાં કામ કરતો રાયધનભાઇ સોલંકી બંને પોતાની કાર લઇને ભાડલા પોતાની હોસ્પિટલે ગયા હતા. માતા-પિતા સહિતના પરિવારજનો રાજપરા બહેનના ઘરે રોકાઇ ગયા હતા. થોડીવાર બાદ પોતાના મોબાઇલમાં પિતાનો ફોન આવતા તેણે જણાવેલ કે, 'ઘરે ચોરી થયેલ છે, તુરંત ઘરે જા' તેમ કહેતા પોતે વિરપર પોતાના ઘરે જતા દરવાજાનું તાળુ તુટેલુ અને અંદર સામાન વેરવીખેર જોવા મળ્યો હતો. તપાસ કરતા રોકડ અને દાગીના મળી રૃા.૧,૮૧,૫૦૦ની મતા જોવા ન મળતા ચોરી થઇ હોવાની ખબર પડી હતી બાદ પોતે પોલીસમાં જાણ કરતા ભાડલા પોલીસે સ્થળ પર પહોંચી તબીબ મેહુલભાઇ જોગરાણાની ફરીયાદ દાખલ કરી પી.એસ. આઇ.આર.એસ. સાંકળીયાએ તપાસ હાથ ધરી છે.

(1:59 pm IST)