Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

મોરબી દુર્ઘટના બાદ દેવભુમી દ્વારકા જીલ્લામાં તંત્ર ઍકશનમાં : ૨૬ બોટના લાયસન્સ રદ

વધુ ભાડા લેતા અને ઓવર કેપેસિટી મુદે મેરીટાઇમ બોર્ડ ૭ દિવસ પરવાના રદ કર્યા : શીવરાજપુર બીચ, ગોમતી ઘાટ, સુદામા સેતુ સહીતના મહત્વના સ્થળો ઉપર બચાવ કામગીરી માટેના સાધનો અને તરવૈયાઓ પણ તૈનાત કરવામાં આવ્યા છે

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા.૨: મોરબી દુર્ઘટના બાદ દેવભુમી દ્વારકા જીલ્લામાં તંત્ર ઍકશન મોડમા આવ્યુ છે અને ૨૬ બોટના લાયસન્સ ૭ દિવસ માટે રદ કરવામાં આવ્યા છે.
હાલમાં તહેવારનો માહોલ હોય અને વેકેશન હોવાથી પ્રવાસન સ્થળો પર લોકો ફરવા જતા હોય છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ જગત મંદિર, શિવરાજપુર બીચ, ગોમતી ઘાટ, બેટ દ્વારકા જેવા અનેક મહત્વના પ્રવાસન સ્થળો આવેલાં છે. આ પ્રવાસન સ્થળો પર વધુ પ્રમાણમાં પ્રવાસી/ યાત્રાળુ આવતા હોય છે. ત્યારે પ્રવાસન સ્થળો પર કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે જિલ્લા વહીવટ તંત્ર અને પોલીસ પ્રસાશન દ્વારા સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય પ્રવાસન સ્થળ જગત મંદિર ખાતે યોગ્ય બેરિકેટિંગ લગાવવામાં આવ્યા છે. જેથી યાત્રાળુઓ લાઈનસર વ્યવસ્થિત દર્શન કરી શકે.
ઉપરાંત બેટ દ્વારકા જવા માટે -વાસીઓ બોટનો ઉપયોગ કરતા હોય છે ત્યારે ઓખા જેટીથી બેટ દ્વારકા તરફ ફેરી સર્વિસ ઉપર દેખરેખ રાખવા માટે પ્રાંત અધિકારીશ્રી દ્વારકા, ચીફ ઓફિસરશ્રી - ઓખા નગરપાલીકા, ઓખા ઓફિસરશ્રી – ઓખા પોર્ટ તેમજ પર્યા પોલીસ બંદોબસ્ત તેમજ રેસ્ક્યું ટીમ સાથે કેમ્પ કરી રહ્ના છે. આ સિવાય નિયત ધારા ધોરણોનુસાર યાત્રાળુઓ બોટમાં બેસે તે માટે પોર્ટ ઓથોરિટી અને ઍજન્સી દ્વારા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવેલ છે. અને બચાવ કામગીરી માટેના સાધનો અને તરવૈયાઓ પણ તૈનાત કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગની ટીમને પણ ઉપસ્થિત રાખવામાં આવી છે.
આવી જ રીતે જગત મંદિર ખાતે દર્શન કરવા આવનાર યાત્રાળુઓ સુદામા સેતુ ખાતે વધુ પ્રમાણમાં ઍકઠા ના થાય તે માટે હંગામી ધોરણે સુદામા સેતુ ખાતે અવર - જવર બંધ કરવામાં આવી છે.  ગોમતી ઘાટ ખાતે પણ રેસ્ક્યુના પર્યા સાધનો સહિત તરવૈયાઓને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. તે સિવાય પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.
બ્લુ ફ્લેગ ધરાવતો રમણીય બીચ શિવરાજપુર ખાતે પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. ત્યારે બીચ ઓથોરિટીના સંપર્કમાં રહીને સહેલાણીઓ ઊંડા પાણીમાં ના જાય તે માટેની વ્યવસ્થા તેમજ લાઇફગાર્ડ, રેસ્ક્યુના સાધનોની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવામાં આવી છે. તેમજ સૂર્યાસ્ત પછી નિયત કરેલા સમય બાદ આ બીચ પર કોઈ સહેલાણી ઉપસ્થિત ના રહે તે બાબતની પણ તકેદારી રાખવામાં આવે છે.
આ સિવાય જિલ્લાના અન્ય પ્રવાસન સ્થળો જેવા કે કિલેશ્વર, ઘુમલી, હર્ષદ માતા મંદિર સહિતના સ્થળો પર પણ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ પ્રશાસન દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.જિલ્લા કલેકટરશ્રી ઍમ.ઍ.પંડ્યા દ્વારા પ્રવાસીઓ માટે કરવામાં આવેલી સુચારુ વ્યવસ્થામાં સહયોગ આપવા માટે અપીલ કરવામાં આવી છે.

 

(2:04 pm IST)