Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

મોરબીના રફાળેશ્વર ગામે પિતાને ૩ પુત્રોઍ મિત્ર સાથે મળી ઢોર માર માર્યો!

પિતાઍ કોર્ટમાં મુદત હોવાની વાત કરતા ઉશ્કેરાયેલા પુત્રો પાઇપ અને છરી સાથે તૂટી પડ્યા

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી તા. ૨ : મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે ૬૫ વર્ષીય વૃદ્ધ પિતાને તેમના જ ૩ પુત્રોઍ પોતાના મિત્ર સાથે મળી ગાળો ભાંડી ઢોરમાર માર્યાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે વૃદ્ધે મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે. 
જેમાં ૬૫ વર્ષીય રણછોડભાઇ કુંવરજીભાઇ ઝાપડાઍ તેમના પુત્ર આરોપી રાજુ રણછોડભાઇ ઝાપડા, ગણેશ રણછોડભાઇ ઝાપડા, રામા રણછોડભાઇ ઝાપડા અને તેના દીકરાના મિત્ર ફૈઝલભાઇ સમીરભાઈ માજોડા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતાં જણાવ્યું હતું કે, તેમણે તેમના પુત્ર ગોપાલભાઇને કોર્ટમા મુદત હોવાની વાત કરી હતી. જે સાંભળીને આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને રણછોડભાઇને ગાળો ભાંડી ઝપાઝપી કરી તેમના પર આરોપી રાજુઍ છરી વડે ડાબા હાથના બાવડા ઉપર છરકો કરી તથા આરોપી ગણેશઍ લોખંડનો પાઇપ મારી ડાબા હાથમા ઇજા કરી પહોંચાડી હતી.  
આ ફરિયાદીના આધારે પોલીસે ઇ.પી.કો. કલમ- ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.ઍક્ટ કલમ-૧૩૫ મુજબ તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(2:37 pm IST)