Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

મોરબીમાં પુલ આસપાસના ગુજરી બજારના ધંધાર્થીઓએ બચાવમાં રંગ રાખ્‍યોઃ કોંગ્રેસની ટીમ પણ કામે લાગેલ

રાજકોટઃ મોરબીમાં રવિવારે ઝુલતો પુલ તુટવાની કરૂણ ઘટનાથી ૧૩પ થી વધુ મોત થયા છે. બચાવ તંત્ર અને સેવાભાવી લોકોની મદદથી કેટલાયને બચાવી લેવામાં આવ્‍યા છે. રાજકોટ કોંગ્રેસના અગ્રણી સુરેશ બથવાર અને તેમની ટીમ સમયસર સ્‍થળ પર પહોંચી ગયેલ અને બચાવ કાર્યમાં તથા અસરગ્રસ્‍તોને થાળે પાડવામાં ભાગ ભજવ્‍યો હતો. સુરેશ બથવારના જણાવ્‍યા મુજબ ઘટનાના દિવસે સાંજે સમાચાર મળતા ૯ વાગ્‍યા આસપાસ પોતે તેમજ કોંગ્રેસના પ્રભારી રામકિશન ઓઝા, ધારાસભ્‍યો નૌષાદ સોલંકી,  ઋત્‍વીક મકવાણા, નરેશ સાગઠીયા વગેરે પહોંચી ગયેલ. પાણીમાં ફસાયેલા જીવીત અને મૃત્‍યુ પામેલા લોકોને બહાર કાઢવાની કામગીરી કરેલ. હું (બથવાર) પુલની નજીકમાં જ આવેલ  એલ.ઇ. કોલેજમાં પાંચ વર્ષ ભણેલ હોવાથી  તે વિસ્‍તારની ભુગોળથી અને પુલથી પરીચીત છું. નજીકમાં જ જુના સામાનની ગુજરી બજાર ભરાય છે. ઘટનાની જાણ થતા તુરત ગુજરી બજારના દેવીપુજક તેમજ લઘુમતી અને અન્‍ય સમાજના લોકો અસરગ્રસ્‍તોને બચાવવા દોડી આવ્‍યા હતા. તેમણે જોખમ વહોરીને પણ બચાવકાર્ય કર્યુ હતું. ઉપરાંત પાર્થ ગણાત્રા, મહેશ રૈયાણી, સમીર કાલરીયા વિગેરે પણ અસરગ્રસ્‍તોની મદદે પહોંચેલ. કોલેજના પુર્વ વિદ્યાર્થીઓ અને વર્તમાન ઇજનેરોએ ઘટના પછી બચાવ અને રાહતની અગત્‍યની કામગીરી કરી હતી. સુરેશ બથવારે જણાવેલ કે બ્રિટીશ શાસનમાં રાણી વિકટોરીયાએ મોકલેલ સામગ્રીમાંથી આ પુલ બનાવવામાં આવેલ. ૧૮૭૯માં તેનું ઉદઘાટન થયેલ.  પુલ બન્‍યો તે વખતે તેની સપાટીમાં વચ્‍ચે-વચ્‍ચે થોડી-થોડી જગ્‍યા રહે તે રીતે પાટીયા ગોઠવવામાં આવેલ. રીનોવેશન પછી તે જગ્‍યા કાઢી સળંગ પાટીયા નાખવામાં આવેલ. અગાઉની પધ્‍ધતીમાં વજનનુ વિભાજન થઇ જતું તેની બદલે નવી ડીઝાઇન મુજબ વજન એક જ સપાટી પર આવવા લાગેલ. પુલ તુટવાનું આ એક મહત્‍વનું કારણ હોય તેવો ઇજનેરી વર્તુળોનો મત છે. ભુતકાળમાં એક સાથે સંકડો લોકો પુલ પર જતા છતા કઇ વાંધો આવેલ નહી. રીનોવેશન પછી પુલની પરિસ્‍થિતિ ફરી હતી. જે ઘટના બની તે અત્‍યંત દુઃખદ છે.
 

 

(4:00 pm IST)