Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

મોરબી દુર્ઘટનામા પોલીસ બની દેવદૂત : જાણો રેસ્ક્યુની કામગીરીનો પળેપળનો ઘટનાક્રમ

( પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી તા.૨ : મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનાથી સમગ્ર દેશ સ્તબ્ધ છે. અને આજે શોકમગ્ન દેશ દિવંગતોને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યો છે. ત્યારે મોરબી પોલીસની નક્કર કામગીરીને કઈ રીતે ભૂલી શકાય. સાચો રંગ રાખ્યો તો એ ડિવિઝન,બી ડિવિઝન, એલસીબી સહિતના પોલીસ કર્મીઓએ રાખ્યો છે. તેમણે SDRF કે NDRFના આગમન પૂર્વે પળનો પણ વિલંબ કર્યા વગર પાણીમાં ઝંપલાવીને શક્ય હોય તેટલા લોકોને બચાવી લીધા. તો ચાલો જાણીએ ઘટનાક્રમની હકીકતો..

આ અંગેની સંપૂર્ણ માહિતી આપતા મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ મીડિયાને જણાવ્યું હતું કે, આ ઘટનાની જાણ પોલીસને થતા 20 થી 25 જેટલા પોલીસ કર્મીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા પુલના સ્ટ્રક્ચરને ધીરે ધીરે હટાવવામાં આવ્યું હતું. જ્યારે પોલીસ કર્મીઓ ઘટના સ્થળે પહોંચ્યા એ સમયે ઘણા લોકો તાર પર લટકી રહ્યા હતા તેથી પ્રથમ તો પોલીસ કર્મીઓ દ્વારા પુલના સ્ટ્રકચરને હટાવવાની કામગીરી કરવામાં આવી હતી અને સીડી મારફતે જેટલા પણ લોકો તાર પર લટકી રહ્યા છે તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. પુલના સ્ટ્રક્ચરને હટાવ્યા બાદ પાણીમાં ડૂબેલા લોકોને તુરંત રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા અને ફાયર બ્રિગેડતથા એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.જેને પગલે કતાર બંધ એમ્બ્યુલન્સ પૂલના કાંઠે ઊભી હતી અને પોલીસ કર્મીઓ દ્વારા ઇજાગ્રસ્તોને તુરંત એમ્બ્યુલન્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.

 

આ ઉપરાંત માનવ સાંકળ રચીને લોકોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ કામગીરીમાં મોરબીની સામાન્ય જનતાનો પણ મોટો સહયોગ રહ્યો છે આસપાસના સ્થાનિક રહેણાંકમાં રહેતા લોકોએ પળવારનો પણ વિલંબ કર્યા વગર પોલીસ કર્મીઓનો સાથ આપ્યો હતો અને શક્ય હોય તેટલા વધુ લોકોને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

(4:10 pm IST)