Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં નવી બે કલમોનો ઉમેરો કરવામાં આવ્યો

સરકારી વકીલ દ્વારા રીમાન્ડ અંગેની કાર્યવાહી મામલે પત્રકાર પરિષદમાં વિગતો જાહેર કરી

( પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી તા.૨ : મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકોના મોત મામલે પુલનું રીનોવેશન કામ કરનાર અને સારસંભાળ રાખનાર એજન્સીના 9 વ્યક્તિઓ વિરુદ્ધ દાખલ થયેલ ફરિયાદમાં રિમાન્ડની માંગણી દરમિયાન તપાસનીશ અધિકારી દ્વારા આ ઘોર બેદરકારી મામલે આઇપીસી કલમ 336 અને 337નો ઉમેરો કરાયો છે જ્યારે આઇપીસી કલમ 338નો ઉમેરો કરવા અંગે નામદાર અદાલત દ્વારા નિર્ણય પેન્ડિંગ રાખવામાં આવ્યો છે. જો કે અદાલતી કાર્યવાહી દરમિયાન આરોપીઓના વકીલે બચાવમાં આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાને બૉલીવુડ ફિલ્મ ઓહ માય ગોડની જેમ એકટ ઓફ ગોડ ગણાવી હતી.

મોરબીમાં 30મી ઓક્ટોબરની ગોઝારી સાંજે ઝૂલતો પુલ તૂટી પડવાની ઘટના બાદ પોલીસે ઝૂલતો પુલ રીનોવેશન કરવાનો કોન્ટ્રાકટ રાખી ઝૂલતા પુલની સંચાલન કરનાર ઓરેવા કંપનીના બે મેનેજર સહિત નવ આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ 304 અને 308 મુજબ ગુન્હો દાખલ કરી ટિકિટ બારીના સંચાલક સિક્યોરિટી ગાર્ડ અને પુલનું ફેબ્રિકેશન કરનાર બે સહિત નવ આરોપીઓની ધરપકડ કર્યા બાદ ગઈકાલે તપાસનીશ અધિકારી દ્વારા તમામ આરોપીઓને દસ દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા અને નામદાર કોર્ટે બન્ને પક્ષની દલીલો બાદ ઓરેવાના બે મેનેજર અને ફેબ્રિકેશનની કામગીરી કરનાર બે સહિત ચાર આરોપીઓને ચાર દિવસના રિમાન્ડ ઉપર સોંપવા હુકમ કર્યો હતો.

 

બીજી તરફ આ મામલે આજે સરકારી વકીલ હરસેન્દુ પંચાલ દ્વારા પત્રકાર પરિષદ યોજી વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, 135 લોકોનો જીવ લેનાર આ દુર્ઘટનામાં તપાસ કરનાર અધિકારી દ્વારા આઇપીસી કલમ 336 અને 337નો ઉમેરો કરવામાં આવ્યો છે. આ બન્ને કલમો અંતર્ગત કોઈપણ એવા કાર્યમાં ઉતાવળે નિર્ણય લઈ માનવ જિંદગી જોખમમાં મુકાય તેવી ઉપેક્ષા સેવવામાં આવી હોય તેવા કિસ્સામાં દંડ અને કારાવાસની જોગવાઈ છે. આ કેસમાં આ બન્ને કલમો ઉમેરવામાં આવી છે ઉપરાંત આઇપીસી કલમ 338 નો પણ ઉમેરો કરવામાં આવ્યો છે જે નામદાર કોર્ટ દ્વારા હાલ પેન્ડિંગ રાખવામાં આવ્યો હોવાનું તેમને જણાવ્યું હતું.

 

વધુમાં એપીપી પંચાલે ઉમેર્યું હતું કે નામદાર કોર્ટમાં દલીલો દરમિયાન આરોપીઓએ પોતાના બચાવમાં આ દુર્ઘટનાને એકટ ઓફ ગોડ ગણવા જણાવ્યું હતું. જો કે એફએસએલ દ્વારા રજૂ કરાયેલ રિપોર્ટ સિલ બંધ કવરમાં હોય તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી આમ છતાં પ્રાથમિક જાણકારી મુજબ ઝૂલતા પુલના કેબલ અંગેનો રિપોર્ટ હોવાનું જણાવી રીનોવેશન ખર્ચમાં ફેબ્રિકેશન કામગીરી માટે રૂપિયા 29 લાખની રકમ ચૂકવાઈ હોય આટલી મોટી રકમ કોને ચૂકવી તે સહિતની બાબતો આરોપીઓના રિમાન્ડ દરમિયાન બહાર આવે તેવી શકયતા જોવાઇ રહી છે.

(4:13 pm IST)