Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

મોરબી પુલ દુર્ઘટના વખતે લોકો બચાવવાના બદલે વિડીયો ઉતારતા'તા

આપવીતી જણાવતા જમીલાબેન શાહ

રાજકોટ,તા. ૨ : ગુજરાતના એક સદી જૂના મોરબી બ્રિજ પર જમીલાબેન શાહ પણ તેમના પરિવાર સાથે હાજર હતા. અચાનક પુલ તૂટતા જમીલાબેન શાહ પાણીમાં પડી ગયા હતા. તેમણે લટકતો કેબલ પકડીને પોતાનો જીવ બચાવ્‍યો હતો, પરંતુ બાળકો સહિત તેના પરિવારના સાત સભ્‍યો નદીમાં વહી ગયા હતા. નજીકના મકરાણી વાસ વિસ્‍તારના કેટલાક છોકરાઓ તેમણે ટાયર ટ્‍યુબ વડે બચાવવા આવ્‍યા ત્‍યાં સુધી તેમણે કેબલને ચુસ્‍તપણે પકડી રાખ્‍યો હતો.
અકસ્‍માતમાં પોતાની ૧૮ વર્ષની દીકરીને ગુમાવનાર ૪૪ વર્ષીય જમીલા બેને કહ્યું, ‘હું પાણીમાં પડી ગઈ અને અચાનક મારા હાથમાં કેબલ આવી ગયો. બસ તેને પકડીને ઓછામાં ઓછા એક કલાક સુધી લટકી રહી હતી. ત્‍યારે કેટલાક લોકો મદદે આવ્‍યા. પરંતુ તેઓ ફાયર વિભાગ અથવા પોલીસના નહીં, પરંતુ કેટલાક સ્‍થાનિક છોકરાઓ હતા.
અકસ્‍માતમાં બચી ગયેલા કેટલાક લોકોએ પોતાની આપવિતી જણાવી હતી. દરેક વ્‍યક્‍તિએ આટલી મોટી સંખ્‍યામાં જાનહાનિ માટે મદદમાં વિલંબ અને દુર્ઘટનાનો સામનો કરવામાં વહીવટી નિષ્‍ફળતા વિશે વાત કરી હતી. અકસ્‍માતમાં બચી ગયેલા લોકોના જણાવ્‍યા મુજબ, હોસ્‍પિટલ અને વહીવટીતંત્રે સમયસર સાથે મળીને કાર્યવાહી કરી હોત તો વધુ જીવ બચાવી શકાયા હોત. સત્તાવાર આંકડાઓ અનુસાર, સોમવાર સાંજ સુધી ૧૪૧ લોકોના મોત થયા હતા અને રવિવારે લટકતો પુલ તૂટી પડતા ૨૨૪ લોકોને બચાવી લેવામાં આવ્‍યા હતા.
ગુલશન રાઠોડે મોરબી સિવિલ હોસ્‍પિટલમાં વધતા જતા મૃતદેહોના ઢગલામાંથી તેમના બચેલા પુત્રોને બહાર કાઢ્‍યા હતા. તે કહે છે, જયારે હું કલાકો સુધી શોધ્‍યા પછી મારા પુત્રોને શોધી શકી નહીં, ત્‍યારે હું હોસ્‍પિટલના શબઘરમાં ગઈ. તે ત્‍યાં લાવારસ મૃતદેહો સાથે પડેલો હતો. મેં જોયું કે તે શ્વાસ લઈ રહ્યો હતો. હું તેને તાત્‍કાલિક નજીકની ખાનગી હોસ્‍પિટલમાં લઈ ગઇ હતી.
તેમના બંને પુત્રો, ૧૮ અને ૨૦ વર્ષની વયના, પરિવારમાં એકમાત્ર કમાણી કરનાર છે. તેણી કહે છે, બંને મળીને લગભગ ૧૫,૦૦૦ રૂપિયા કમાતા હતા, જે અમારા ઘરનો ખર્ચ કવર કરે છે. બંનેને કરોડરજ્જુમાં ઈજા થઈ છે. હવે મને ખબર નથી કે અમે કેવી રીતે જીવીશું. શું ખાઈશું અથવા ઘરનું ભાડું કેવી રીતે ચૂકવીશું.
રાજયના ફાયર અને ઇમરજન્‍સી વિભાગના ડાયરેક્‍ટર કેકે વિષ્‍ણુએ જણાવ્‍યું હતું કે બચાવ ટીમ ‘અકસ્‍માતના કલાકોમાં ઘટનાસ્‍થળે પહોંચી ગઈ હતી અને આખી રાત બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી'. આ સાથે તેમણે એ પણ માહિતી આપી હતી કે ૩૦ બોટ અને ડાઇવર્સની ઘણી ટીમો બચી ગયેલા લોકોની શોધમાં લાગેલી છે.
સોહેલ શેખ કમનસીબે તે દિવસે તે જ બ્રિજ પર હતો. આ દુર્ઘટનામાં તેણે પોતાના પિતરાઈ ભાઈ અલ્‍ફાઝ ખાનને ગુમાવ્‍યો હતો. તે લાચારીથી કહે છે, ‘જો અમે તે દિવસે બ્રિજ પર ન ગયા હોત તો અમે ૧ નવેમ્‍બરે ખાનનો ૧૮મો જન્‍મદિવસ ઉજવ્‍યો હોત.'
શેખે કહ્યું કે પુલ તૂટી પડ્‍યાની થોડી મિનિટો બાદ તેણે ખાનને પાણીમાં તરતો જોયો. તે તેને કિનારે ખેંચી ગયો. ખાન હજી શ્વાસ લઈ રહ્યો હતો પરંતુ હોસ્‍પિટલમાં લઈ જવાની લાંબી રાહે તેમનો જીવ લીધો. ‘એમ્‍બ્‍યુલન્‍સ એક કલાક સુધી ન આવી. અમે ફોન કરતા રહ્યા પણ કોઈ આવ્‍યું નહીં.'
જમીલા બેન શાહ એ પણ યાદ કરે છે કે કેવી રીતે તેણે પોતાનો પરિવાર ગુમાવ્‍યો અને મદદ માટે લાંબા સમય સુધી રાહ જોઈ. તેણે કહ્યું, ‘એવું લાગ્‍યું કે અમારા પગ નીચેથી જમીન ખસી ગઈ છે. અરાજકતામાં મેં મારો આખો પરિવાર ગુમાવ્‍યો. તે નીચે પડતાં જ જમીલા બેનના હાથમાં એક કેબલ આવ્‍યો, જેને તેણે ચુસ્‍તપણે પકડી રાખ્‍યો. તેણે તેની ૮ વર્ષની ભત્રીજીને પાણીમાં તરતી લટકતી પકડી લીધી હતી. પરંતુ કેબલ લપસણો હતો અને આગળ વધવાની જહેમતમાં યુવતીએ તેનો હાથ ગુમાવ્‍યો હતો અને તે પાણીમાં તણાઈ ગઈ હતી. તેની ૨૧ વર્ષની પુત્રી, બે ભાભી અને તેના પરિવારના અન્‍ય ત્રણ બાળકો પણ પાણીમાં ડૂબી ગયા હતા.
જોકે સ્‍થાનિક લોકોએ જમીલાનો જીવ બચાવ્‍યો હતો, પરંતુ કંઈક એવું હતું જેને યાદ કરીને તે હજી પણ કંપી જાય છે. તેને હજુ પણ ભયાનકતા અને પીડા યાદ છે. તેણી કહે છે, હું એક કલાક સુધી કેબલ પર લટકી રહી હતી અને તે કલાક દરમિયાન દરેક વ્‍યક્‍તિ અમારી ભયાનકતા, યાતના અને દુઃખદ સંઘર્ષનો વીડિયો રેકોર્ડ કરી રહી હતી. આટલી બધી નફરત ક્‍યારેય અનુભવી નહોતી

 

(4:31 pm IST)