Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

મોરબી કરુણાંતિકા: એસ. ટી.વિભાગ દ્વારા દિવંગતોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા.

મોરબીની કરુણાંતિકાથી દેશ શોકગ્રસ્ત છે. ત્યારે મોરબીના મૃતકોના આત્માની શાંતિ માટે આજે મોરબી ડેપો ખાતે એસ. ટી.વિભાગ દ્વારા મૌન પાળી દિવંગતોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.નોંધનીય છે કે શોકના માહોલ વચ્ચે સમગ્ર ગુજરાત તમામ રીતે મોરબીની પડખે ઊભું છે.
દિવાળીનું વેકેશન અને સાતમે બજાર ખૂલે તે પહેલાંનો છેલ્લો રવિવાર હતો. હજી બેસતા વર્ષે જ નવા રંગરોગાન અને સમારકામ સાથે ખુલ્લા મુકાયેલા ઝૂલતા પુલ પર સંખ્યાબંધ પરિવારો વિહરતા હતા. પરંતુ આ શું… સમી સાંજે અચાનક ચીસો-ચિચિયારીઓના આક્રંદ વચ્ચે પુલ વચ્ચેથી તૂટ્યો અને એક સાથે સેંકડો લોકો મચ્છુના પાણીમાં તરફડિયાં મારવા લાગ્યા.પળવારમાં જ બચાવો.. બચાવો… એ… મારો ભાઈ ક્યાં? એ.. મારી દીકરી અહીં હતી કે ક્યાં? મારો દીકરો ઓલો ત્યાં ડૂબી રહ્યો છે કોઈ તેને બચાવો ભાઈ.. બચાવો.. બચાવો… આવી ચીસો પુલની વચ્ચોવચ્ચ તૂટેલા ભાગની નીચે પાણીમાં સંભળાઈ રહી હતી. કિનારે પણ લોકો બચાવવા માટે બૂમો પાડી રહ્યા હતા. કેટલાક વળી તૂટેલા પુલની લોખંડની પાઈપને પકડીને અધવચ્ચે હવામાં લટકી રહ્યા હતા. કેટલાકને વળી લટકતી હાલતમાં પગ મૂકવા નીચે પાઈપનો સહારો મળ્યો હતો. આ લોકો હવે ઉપર કેમના જાશું તેની વિમાસણમાં હતા.
આ આખો નજારો જોઈને કિનારેથી કેટલાક હિંમતવાન લોકો મચ્છુના પાણીમાં કૂદ્યા પણ ખરા. અમુકને હાથ પકડીને, અમુકને ખેંચીને કેટલાક સાહસિકો બહાર પણ લઈ આવ્યા. પરંતુ અંદર જે ખેંચાઈ ગયા, ખૂંપી ગયા તેમનું કોઈ બેલી ન થયું તે ન જ થયું. વિકાસની મોટી-મોટી વાતો વચ્ચે વધુ રૂપિયા કમાવાની લાલચ જીતી ગઈ અને લોકો જાણે પૈસા ખર્ચીને મોત ખરીદવા ગયા તેવાં દૃશ્યો રવિવારે સાંજથી સતત જોવા મળ્યા.મચ્છુ નદી પરના ઝૂલતા પુલના તૂટવાની કરુણાંતિકાને જ્યારે પણ યાદ કરાશે ત્યારે જીવન અને મોત વચ્ચે ઝોલા ખાતા લોકો જ યાદ આવશે.

(8:33 pm IST)