Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

ન કોઈ ફોટો, ન કોઈ વિડીયો, મોરબી પુલ દુર્ઘટના માં કોઈ પણ જાતની પ્રસિધ્ધિ વગર અવિરત માનવસેવા પ્રદાન કરતું મોરબી જલારામ પ્રાર્થના મંદિર.

લોકોના મૃત્યુને પોતાની પ્રસિધ્ધીનુ સાધન બનાવતી સામાજીક સંસ્થાઓ તેમજ રાજકારણીઓને આડેહાથ લેતા મોરબી જલારામ મંદિર અગ્રણી નિર્મિત કક્કડ: લોકોના મોત નો મલાજો જાળવતુ શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી.: મૃતદેહોને બહાર કાઢવા, મૃતદેહો ને શબવાહિની દ્વારા તેમજ ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પીટલ પહોંચાડવા, વિનામુલ્યે અંતિમયાત્રા, બચાવ કામગીરી માં રોકાયેલ લોકો તેમજ દીવંગતોના પરિવારજનો માટે બંને ટાઈમ ભોજન સહીતની સેવા જલારામ મંદિર-મોરબી દ્વારા પ્રદાન કરવામાં આવી.

 મોરબી ખાતે મચ્છુ નદી પર આવેલ ઝુલતો પુલ તુટવા ની ઘટનાને પગલે સમગ્ર દેશ શોકમગ્ન બન્યો છે. આ કરૂણાંતિકા માં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તેમજ ઘણા લોકો ઘાયલ થયા છે ત્યારે મોરબી તેમજ આસપાસ નાં વિસ્તાર ની વિવિધ સેવાભાવી સંસ્થાઓ આગળ આવી બચાવ કાર્ય માં જોડાઈ હતી પરંતુ અમુક રાજકારણીઓ તેમજ અમુક સંસ્થાઓએ મોત નો મલાજો જાળવ્યો ન હતો તેઓએ આ આફત ને પોતાની પ્રસિધ્ધી ના અવસર તરીકે લઈ ફોટા તેમજ વિડીયો વાઈરલ કરી વાહવાહી લુંટવાનો પ્રયત્ન કરવા માં આવ્યો હતો જે ખરેખર નિંદનીય કહી શકાય કેમકે એક બાજુ મરણચીસો ગુંજી રહી હતી, પરિજનો પોતાના સ્વજનો ને ગોતવા વલખા મારી રહ્યા હતા, તંત્ર દ્વારા બચાવ કામગીરી પુરજોશ માં ચાલતી હતી, દરેક આંખો માં આંસુ હતા ત્યારે અમુક રાજકારણીઓ તેમજ સામાજીક સંસ્થાઓ દ્વારા ફોટો વિડીયો વાઈરલ કરી પોતાની નબળી માનસિકતા છતી કરી હતી.

     જ્યારે બીજી બાજુ મોટાભાગ ના મોરબી ના લોકો તેમજ અમુક સંસ્થાઓ કે જે બચાવ કાર્ય માં જોડાયા હતા તેઓ ખરા અર્થ માં  લોકો ના દુઃખ માં સહભાગી થયા હતા. ન કોઈ ફોટો, ન કોઈ વીડીયો, માત્ર માનવતા નો ધર્મ નિભાવવા આગળ આવ્યા હતા. આમાંની એક સંસ્થા છે મોરબી જલારામ મંદિર. મોરબી જલારામ મંદિર દ્વારા તંત્ર સાથે રહી સંસ્થાના આગેવાનો દ્વારા મૃતદેહો ને બહાર કાઢવા માં તેમજ શબવાહિની દ્વારા મૃતદેહો ને સિવિલ હોસ્પીટલ પહોંચાડવા, ઘાયલ લોકો ને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પીટલ પહોંચાડવા તેમજ મૃતદેહો અને ઈજાગ્રસ્તો ને હોસ્પીટલ થી ઘરે પહોંચાડવા, વિનામુલ્યે સ્મશાનયાત્રા, અંતિમ સંસ્કાર તેમજ બચાવ કામગીરી માં જોડાયેલ લોકો તેમજ દીવંગતો ના પરિવારજનો માટે બંને ટાઈમ ભોજન પહોંચાડવાની વ્યાવસ્થા સહીત ની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ સંસ્થા દ્વારા સેવા નો એક પણ ફોટો કે વિડીયો ન વાઈરલ કરી મોત નો મલાજો જાળવ્યો હતો તેમજ ખરા અર્થ માં માનવતા ની મહેર પ્રસરાવી હતી.
        આ અંગે મોરબી જલારામ મંદિર ના અગ્રણી નિર્મિત કક્કડ સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે મોરબી ના ઘણા બધા લોકો તેમજ સંસ્થાઓએ ફોટો કે વિડીયો વાઈરલ ન કરી માનવતાની મિશાલ કાયમ કરી છે. વઘુ માં જણાવ્યુ હતુ કે મોરબી જલારામ મંદિર, યંગ ઈન્ડીયા ગૃપ, યુવા આર્મિ ગૃપ, કર્તવ્ય જીવદયા ગૃપ સહીત ની વિવિધ સંસ્થાઓ એ પણ સેવા ના ફોટા વાઈરલ ન કરી ખરા અર્થ માં માનવધર્મ નિભાવ્યો છે. વધુ માં તેમણે જણાવ્યુ હતુ કે સામાન્ય રીતે જીવીત લોકો ની સેવા ની માહિતી અમે પણ પ્રસિધ્ધ કરીએ છીએ કેમકે અન્ય લોકો ને પ્રેરણા મળે પરંતુ ઝુલતા પુલ ની કરૂણાંતિકા ખુબ જ દુઃખદાયક છે તેમાં લોકો ના દુઃખ માં સહભાગી થવાનુ હોય નહીં કે તેના દ્વારા પ્રસિધ્ધી મેળવવાની હોય. મોરબી જલારામ મંદિર ના નિર્મિત કક્કડ ને સવાલ પુછવા માં આવ્યો હતો કે અમુક સંસ્થાઓ એવો દાવો કરે છે કે અમે આટલા લોકો ના જીવ બચાવ્યા તેવા ફોટો વાઈરલ કરે છે આ બાબત માં સત્ય કેટલુ? તે પ્રશ્ન ના ઉતર માં તેમણે જણાવ્યુ હતુ કે જે લોકો ના જીવ બચ્યા છે તેનો ખરો શ્રેય ત્યાના સ્થાનિકો તેમજ તરવૈયાઓને જાય છે કેમ કે જ્યારે પુલ તુટ્યો ત્યારે તેઓ ત્વરિત નદી માં કુદી ને લોકો ને બચાવ્યા હતા. તંત્ર તેમજ બીજા લોકો ને પહોંચતા ૨૦-૨૫ મીનીટ જેટલો સમય લાગ્યો હતો તેટલો સમય કોઈ પાણી માં ડુબેલ વ્યક્તિ જીવી ન શકે કેમકે જો તેમણે ૧૫ મીનીટ માં પાણી માંથી બહાર કાઢવા માં આવે તો જ જીવવા ની શક્યતાઓ રહે છે. માટે મેં આટલા બચાવ્યા, મેં આટલા બચાવ્યા ની બડાઈ હાંકતા રાજકારણીઓ તેમજ સામાજીક સંસ્થાઓને શરમ આવવી જોઈએ કેમકે લોકો ના મૃત્યુ ને, આ કરૂણાંતિકા ને પોતાની પ્રસિધ્ધી નુ સાધન બનાવ્યુ. ઈશ્વર તેમજ દીવંગતો નો આત્મા તેમને ક્યારેય માફ નહીં કરે.

(8:36 pm IST)