Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના મામલે રાજવી પરિવારે દુખની લાગણી વ્યક્ત કરી: દરેક મૃતકોના પરિવારજનોને એક લાખની સહાય અપાશે .

રાજવી પરિવાર દ્વારા દરેક મૃતકોના પરિવાર જનોને એક લાખ રૂપિયાની સહાય અર્પણ કરાશે: રાજવી પરિવાર દ્વારા દિવંગતોની આત્માની શાંતિ અર્થે શાંતિ યજ્ઞ

મોરબીમાં ૩૦ ઓકટોબરનાં રોજ ઝુલતા પુલ તુટવાની દુધર્ટના બની અને જેમાં ૧૩૫ જેટલા નિર્દોષ અને માસૂમ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઘટના ખૂબ જ દુઃખદ અને આઘાતજનક છે. આ ગોઝારી ઘટનામાં પરિવાર સાથે ઝૂલતાપૂલ નિહાળવા આવેલા નાના બાળકો, સ્ત્રીઓ નાગરિકો ભોગ બન્યા છે. જે ઘટનાથી સમગ્ર રાજ્ય અને દેશ સ્તબ્ધ બન્યો છે ત્યારે મોરબીના રાજવી પરિવારે પણ દુર્ઘટના પ્રત્યે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી મૃતકોના પરિવારજનોને એક એક લાખની સહાય જાહેર કરી છે
મોરબીનાં રાજમાતા વિજયકુંવરબા સાહેબ તથા રાજકુંવરીબા સાહેબ મીરાબાપા, માયાબાપા , ઉમાબાપા તથા સમગ્ર રાજવી પરિવાર અત્યંત દુઃખની લાગણી અનુભવે છે અને આ ઘટનાથી અત્યંત વ્યથિત છે તેમજ જેની કોઇએ કલ્પના પણ નહોતી કરી તેવી ઘટનાથી ખુબ જ હતપ્રભ થયા છે. આ હતભાગીઓના પરિવાર સાથે રાજવી પરિવાર સાથે છે અને તેમના દુઃખમાં સહભાગી છે.
આ ઘટનાની જાણ થતા રાજવી પરિવાર વતી રાજકુંવરીબા સાહેબ મીરાબાપા તાત્કાલિક મોરબી આવેલ છે. અને રાજમાતા વિજયકુંવરબા સાહેબ તથા રાજવી પરિવાર વતી પ્રત્યેક હતભાગીના પરિવારને રૂા. ૧,૦૦,૦૦૦/– (અંકે રૂપિયા એક લાખ પુરાં) ફુલ નહી તો ફુલની પાંખડી રૂપે સહાય કરવા માટેની તત્પરતા દાખવી છે. તેમજ આ ઘટનામાં તાત્કાલિક બચાવકાર્ય મદદ કરનાર તમામ સ્થાનિક લોકો, સેવાભાવિ સંસ્થાઓ, તંત્રનો પણ મોરબી રાજવી પરિવાર આભાર વ્યકત કરે છે.
રાજવી પરિવાર દ્વારા દિવંગતોની આત્માની શાંતિ અર્થે શાંતિ યજ્ઞ
મોરબી રાજવી પરિવાર દ્વારા ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોની આત્માની શાંતિ અર્થે તા. ૦૩-૧૧-૨૦૨૨ ના રોજ સાંજે ૫ થી ૬ કલાકે દરબાર ગઢ મોરબી ખાતે શાંતિ યજ્ઞ કરવામાં આવશે અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે

(9:11 pm IST)