Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

મોરબી દુર્ઘટના માનવસર્જિત આફત કે એક્ટ ઓફ ગોડ ? કોર્ટમાં કેવી દલીલો થઇ, જાણો તપાસ વિશે વધુ વિગત.

મોરબી : 30 ઓક્ટોબરે બરોબર સાંજના 6:30 વાગ્યે ઝૂલતો પુલ તૂટી પડતાં અનેક લોકો નદીમાં ખાબક્યા હતા જે દુર્ઘટનામાં ૧૩૬ લોકોના મોત થયા હતા જે બનાવ મામલે પોલીસે ગુનો નોંધી નવ આરોપીને ઝડપી લીધા હતા જે પૈકી પાંચને જેલહવાલે કરવામાં આવ્યા છે તો ચાર આરોપીના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે

સરકારી વકીલ હરસેન્દુ પંચાલે મીડિયાને જણાવ્યું હતું કે,  આ કેસમાં તપાસનીશ અધિકારી દ્વારા આ ઘોર બેદરકારી મામલે આઇપીસી કલમ 336 અને 337નો ઉમેરો કરાયો છે જ્યારે આઇપીસી કલમ 338નો ઉમેરો કરવા અંગે અદાલત દ્વારા નિર્ણય પેન્ડિંગ રાખવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, એફએસએલ દ્વારા કેબલનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં એવું સામે આવ્યું છે કે કેબલ બદલાવવામાં આવ્યો જ નથી માત્ર ફ્લોરિંગ બદલાયું છે. આ ઉપરાંત અન્ય કોઈ રીપેરીંગનું કામ જ કરવામાં આવ્યું નથી એવું એફએસએલના રિપોર્ટમાં ફલિત થયું હોવાનું સરકારી વકીલે જણાવ્યું હતું.
વધુમાં સરકારી વકીલે જણાવ્યું હતું કે એક આરોપી પક્ષેથી એવી દલીલ કરવામાં આવી હતી તે ગ્રાફિક ડિઝાઇનર છે અને તેને જેવી સૂચના આપવામાં આવી હતી એ પ્રકારનું કામ તેણે કર્યું હતું. આ ઉપરાંત અન્ય એક આરોપીએ સમગ્ર ઘટનાને ઈશ્વરનું કૃત્ય અર્થાત એક્ટ ઓફ ગોડમાં ખપાવી દીધું હોવાનું પણ સરકારી વકીલે જણાવ્યું હતું
આ ઉપરાંત સરકારી વકીલો જણાવ્યું હતું કે, આ 9 આરોપીઓ પૈકી એવા બે આરોપીઓ હતા. જેમની પાસે પુલમાં કામ કરવા માટેની કોઈપણ પ્રકારની લાયકાત ન હતી છતાં પણ તેઓ કામ કરી રહ્યા હતા અને ઓરેવા કંપનીના બે મેનેજરે તેમને આ કામગીરી સોંપી હતી તેવું સરકારી વકીલે જણાવ્યું હતું
નોંધનીય છે કે, આ ઘટના અંગે સરકારી અધિકારી કે નગરપાલિકાના કોઈપણ અધિકારીનું નામ આ ઘટનામાં સામેલ થયું નથી આમ અમને કોઈ પક્ષકાર તરફથી દલીલ પણ કરવામાં આવી ન હોવાનો જણાવ્યું હતું એવું ચર્ચાઈ રહ્યું છે કે તપાસમાં સરકારી અધિકારીઓના નામ સામે આવી શકે છે. હાલ કોર્ટે બન્ને પક્ષની દલીલો બાદ ઓરેવાના બે મેનેજર અને ફેબ્રિકેશનની કામગીરી કરનાર બે સહિત ચાર આરોપીઓને ચાર દિવસના રિમાન્ડ ઉપર સોંપવા હુકમ કર્યો હતો. જે રિમાન્ડ દરમીયાન હજુ નવા ખુલાસા થઇ સકે છે

(9:13 pm IST)