Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

ગીરગઢડાના તલાટી મંત્રી સસ્પેન્ડ : ગૌચર જમીન ઉપર દબાણ કરનારા સામે તંત્ર દ્વારા આકરા પગલા

સરપંચને નોટીસ : લેન્ડ ગ્રેબીંગ તળે પગલા લેવાનું શરૂ કરાતા ચૂંટણી સમયે રાજકારણમાં ગરમાવો

(નવીન જોષી દ્વારા) ઉના તા. ૩ : ગીર ગઢડાની ગૌચર જમીન ઉપર દબાણ કરીને ગેરકાયદે દુકાનો બનાવનાર સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ પગલા ભરવા ડે.કલેકટર જે.એમ.રાવલે ટી.ડી.ઓ.ને આદેશ કર્યા બાદ ગીર ગઢડાના તલાટી મંત્રી રાયસીંગ ચૌહાણને સસ્પેન્ડ કરવામાં આવેલ છે.

ગીર ગઢડાના સરપંચ કેશુભાઇ ભાળીયાને ગૌચર જમીન ઉપર દબાણ સંબંધે નોટીસ અપાઇ છે. ચૂંટણી સમયે લેન્ડ ગ્રેબિંગ તળે પગલા લેવાનું શરૂ કરાતા રાજકારણ ગરમાયું છે.

ગીરગઢડામાં છેલ્લા ઘણા સમયથી ગોચર પર થયેલ દબાણો અને સ્મશાન ભૂમિની બાજુમાં ગેરકાયદેસર બનાવામાં આવેલ ૨૯ દુકાનો નો વિવાદ ચાલતો હોય અને આ બાબતે આર ટી આઇ એકટીવિસ્ટ હર્ષદભાઇ બાંભણીયા દ્વારા વારંવાર ઉચ્ચકક્ષાએ રજુઆત કરાતા મોડેથી તંત્રની આંખ ખુલતા આ સમગ્ર પ્રકરણની ફાઇલ દબાવી દેવાની હિલચાલ સામે ઉના નાયબ કલેકટર જે એમ રાવલે ગીરગઢડા ટી ડી ઓ ને આ ગોચર જમીન પર થયેલા દબાણો દૂર કરવા તેમજ રાજય સરકારના લેન્ડ ગ્રેબિંગ કાયદા મુજબ પગલા ભરવા આદેશ કરતા દબાણકારોમાં ફફડાટ વ્યાપી ગયેલ છે.

ઉના નાયબ કલેકટર જે એમ રાવલે ગીરગઢડા ટી ડી ઓ ને લેખિત જણાવેલ કે ગીરગઢડા તાલુકા પંચાયત કચેરીથી લઇને જામવાળા રોડ સુધીમાં ગોચરના સર્વે નં.૩૨ પૈકીની જમીન પર મોટાપાયે વાણીજય હેતુના દબાણો કરવામાં આવેલ છે. તેમજ સર્વે નં.૩૨/૧ પૈકી ૧ પૈકી ૧ જમીન સરકારી પડતર ગોચરની જમીન સ્મશાન ભૂમિની બાજુમાં આવેલ હોય આ જમીનમાં ગીરગઢડા ગામના આગેવાનોએ સ્મશાન સમિતી બનાવી એક સાથે ૨૯ જેટલી દુકાનો ગ્રામ પંચાયતની કોઇપણ પ્રકારની મંજુરી વિના ગે.કા. રીતે બનાવી પ્રત્યેક દુકાન આશરે ૧૦ થી ૧૨ લાખ જેટલી રકમ લઇ વેંચાણ કરવામાં આવેલ છે. તેમજ અવાર નવાર આ દબાણો ખુલ્લા કરવા બાબતે રજુઆત કરવામાં આવેલ હોવા છતાં પણ સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવેલ નથી.

ડે.કલેકટર દ્વારા ગીરગઢડા ટીડીઓને સરકારના લેન્ડ ગ્રેબિંગ કાયદા તળે પગલા ભરવા લેખિત જાણ કરતા ફરી એક વખત આ ગોચરના દબાણનો મુદો ઉછળતા સમગ્ર નાધેર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની જવા પામેલ છે. ત્યારે સવાલએ ઉઠવા પામેલ છે કે તંત્ર દ્વારા પગલા ભરવા આદેશ થાય છે પણ પગલા કયારે ભરાશે ? તે પ્રશ્ન ચર્ચીત બન્યો છે.

આ દબાણ દૂર કરવા તેમજ લેન્ડ ગ્રેબિંગ તળે પગલા ભરવા બાબતે ગીરગઢડા ટીડીઓએ જણાવેલ કે આ પ્રકરણ ઉચ્ચકક્ષાએ મોકલી આપેલ છે. પરંતુ હાલ સ્થાનિક સ્વરાજની ચુંટણી હોય ચુંટણી પૂર્ણ થયા બાદ આ પ્રકરણ હાથમાં લઇશું.

ગીરગઢડાના તલાટી મંત્રી રાયસીંગ ચૌહાણને આ ગોચર જમીનમાં દબાણો કેમ હટાવાયા નથી ? તેવું જણાવી તેની સામે આકરા પગલા લઇ સસ્પેન્ડ કરી દેવાતા તલાટી મંત્રી મંડળ ઉકળી ઉઠ્યુ છે. જયારે ગીરગઢડાના વર્તમાન સરપંચ કેશુભાઇ ભાલીયાને નોટીસ આપી આ ગોચરની દુકાનો અને પેશકદમી તા.૩૧ માર્ચ ૨૦૨૧ સુધીમાં દૂર ન કરે તો સત્તા પરથી આપો આપ દૂર થઇ જશે. તેવો આદેશ ચુંટણી સમયે કરતા રાજકારણ ગરમાયુ હતું. બીજી તરફ સરકારી પડતર ગોચર જમીન પર દુકાનો બનાવી વહેચી નાખનાર સામે પણ ટુંક સમયમાં આકરા પગલા તોળાઇ રહ્યાનું તંત્રમાંથી જાણવા મળી રહ્યુ છે.

(11:54 am IST)