Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આકરો તાપઃ માવઠાની આગાહીથી ખેડૂતોમાં ચિંતા

રાત્રે અને વહેલી સવારે પણ ઠંડી ગાયબઃ બપોરે વધુ ગરમી

રાજકોટ તા. ૩ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠંડી ગાયબ થઇ ગઇ છે. મોડી રાત્રીના અને વહેલી સવારે પણ ઠંડીની અસર નથી. જો કે બપોરે આકરો તાપ હોય છે. અને માવઠાની અગાહીના કારણે ખેડુતોમાં ચિંતા પ્રસરી છે.

પ્રભાસ પાટણ

ᅠ(દેવાભાઇ રાઠોડ દ્વારા) હવામાન વિભાગ દ્વારા રાજયના કેટલાક વિસ્‍તારમાં તા.૦૨.૦૩.૨૦૨૩ થી તા. ૦૬.૦૩.૨૦૨૩ દરમ્‍યાન કમોસમી વરસાદ વરસાવાની આગાહી કરેલ છે. જે અનુસાર તા.૦૪.૦૩.૨૦૨૩ થી ૦૬.૦૩.૨૦૨૩ ના સમયગાળા દરમિયાન ગીર - સોમનાથ જિલ્લામાં સામાન્‍ય થી હળવા વરસાદની આગાહી છે.

જિલ્લાનાં ખેડૂતોએ કૃષિ પેદાશોને સંભવિત નુકશાનથી બચાવવા તકેદારીના ભાગરૂપે ખેતોત્‍પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લામાં હોય તો તેને તાત્‍કાલિક સલામત સ્‍થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્‍લાસ્‍ટિક કે તાડપત્રીથી યોગ્‍ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીના પાળા બનાવી વરસાદી પાણી ઢગલાની નીચે જતું અટકાવવું તેમજᅠ જંતુનાશક દવા કે ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો, એ.પી.એમ.સી.માં વેપારી મિત્રો તેમજ ખેડૂતોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલા લેવા અનુરોધ છે.

એ.પી.એમ.સી.માં અનાજ કે ખેતપેદાશ સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.માં વેચાણ અર્થે લઇ જવાતી પેદાશો આ દિવસો દરમિયાન વાતાવરણનું નિરિક્ષણ કરી ટાળવી અથવા સુરક્ષતિ રાખવા અને બિયારણ, ખાતર, વગેરે જેવી ખેત સામગ્રીના ઇનપુટ ડીલરોએ ગોડાઉન સુરક્ષિત રાખવા તકેદારીના પગલાં લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીની એક યાદીમાં જણાવેલ છે.

ભાવનગર માં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહીનાં પગલે ખેડૂતᅠ જોગ સંદેશ

ભાવનગર

(વિપુલ હિરાણી દ્વારા) હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વિવિધ વિસ્‍તારોમાં તા.૫ માર્ચથી તા.૮ માર્ચ દરમિયાન માવઠું થાય તેવી આગાહી કરવામાં આવી છે. ઉત્તર-મધ્‍ય ગુજરાતના અનેક વિસ્‍તારોમાં થઈ શકે છે વરસાદ, સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતમાં પણ થશે કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. હવામાન વિભાગ દ્વારા આગામી તા.૫ માર્ચને રવિવારે ભાવનગરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.

ભાવનગર સાથે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગરહવેલી, જૂનાગઢ, અમરેલી, ગોર સોમનાથ અને કચ્‍છમાં પણ કમોસમી વરસાદની આગાહી તા.૫ માર્ચે કરવામાં આવી છે. હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને આવા સમયે મોટા ભાગે ખેડૂતો પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય છે, તેમ છતાં તકેદારીનાં પગલા લેવા રાજયના ખેડુતોને સંદેશ આપવામાં આવે છે.

જેમાં કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્‍પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્‍કાલીક સલામત સ્‍થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્‍લાસ્‍ટિક/ તાડપત્રી થી યોગ્‍ય રીતે ઢાકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્‍થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.મા વેપારી અને ખેડુત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવે છે. એ.પી.એમ.સી.મા અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.મા વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા.ᅠ

આ અંગે વધુᅠ જાણકારી આપના વિસ્‍તારના ગ્રામસેવક/ વિસ્‍તરણ અધિકારી/ તાલુકા અમલીકરણᅠ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક(તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(તાલીમ), કે.વી.કે. અથવા કિસાન કોલ સેન્‍ટર ટોલ ફ્રી નંબર - ૧૮૦૦ ૧૮૦ ૧૫૫૧ નો સંપર્ક કરવો

(11:47 am IST)