Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

મોરબી નગરપાલિકાની વેરા વસૂલાત ઝૂંબેશ

૩૧ માર્ચ પહેલા વેરો ભરનારને જ મળશે લાભ

 મોરબી તા ૩ : મોરબી નગરપાલિકા તંત્ર હવે વેરા વસુલાત માટે મેદાનમાં આવી ગયું છે. વેરો ભરવાની છેલ્લી તારીખ ૩૧ માર્ચ છે. તેની પહેલા પાલિકા તંત્ર ૩૦ કરોડનો ટાર્ગેટ પૂર્ણ કરવા કવાયત કરી રહ્યું છે. આ અંગે મોરબી પાલિકા ટેક્‍સ વિભાગ અધિકારી દલસુખભાઈ પટેલે સમગ્ર પ્રક્રિયા અંગેની માહિતી આપી હતી.

દલસુખભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, ૧૬ ફેબ્રુઆરીથી વેરા વસુલાત શાખા દ્વારા વ્‍યાજ મુક્‍તિ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં તંત્રને ૧.૬૦ કરોડ જેટલી આવક થઈ છે. જ્‍યારે ૧૬ તારીખ પૂર્વે ૧૦.૫૦ કરોડ જેટલી આવક વેરાની વસુલાત શાખાને થઈ છે.  વેરા વસુલત શાખાની ડિમાન્‍ડ કુલ રૂપિયા ૩૦ કરોડની છે જેમાં રૂપિયા ૧૧.૬૦ કરોડ જેટલી રિકવરી હાલ થઈ ગયેલ છે. જ્‍યારે હજુ રૂપિયા ૧૮ કરોડ રૂપિયાની રિકવરી બાકી છે. ત્‍યારે પાલિકા તંત્રના ટાર્ગેટ અનુસાર આ મહિનાના અંત સુધીમાં હજુ ૮ થી ૯ કરોડ જેટલી વસુલાત થવાની શકયતા છે.

આ ઉપરાંત જે આસામીઓની નોટિસ બાકી છે તેમના અપીલ કરતાં  જણાવ્‍યું હતું કે, આવા આસામીઓને નોટિસ પાઠવામાં  આવી હતી અને એ લોકોને તાકીદ પણ કરવામાં આવી હતી કે કરવેરા ભરી જવામાં આવે. જેમાં ૪૦૦ જેટલા અરજદારોની વોરંટ નોટિસ ઇસ્‍યુ કરવામાં આવી હતી જેમાંથી ૫૦-૬૦ જેટલા એવા કરદાતા હતા કે જેમણે ટેક્‍સની રકમ ચૂકવી હતી પરંતુ  જેમણે હજુ સુધી ટેક્‍સ ચૂકવ્‍યો નથી તેને પાલિકા તંત્રની સાત લોકોની ટીમ દ્વારા ફોનથી પણ સંપર્ક કરવામાં આવે છે રૂબરૂ જઈને પણ આ અંગે તાકીદ કરવામાં આવે છે.

અરજદારો સમય અનુસાર પાલિકા તંત્રને ટેક્‍સ ચૂકવી આપે. હાલ સરકાર દ્વારા આઝાદીના ૭૫ વર્ષને પગલે અમળત વળતર યોજના' કાર્યરત છે અને જો નાગરિકોએ તેનો લાભ લેવો હોય તો સમયસર ટેક્‍સ ચૂકવવો પડશે. ૩૧ માર્ચએ વ્‍યાજ ચૂકવવાની અંતિમ તારીખ છે ત્‍યારબાદ આ યોજનાનો લાભ નહીં મળે આમ એક તરફ છેલ્લા દિવસોમાં વેરો ભરવા અરજદારો લાઈન લગાવી રહ્યા છે તો બે દિવસ સુધી નેટ કનેકટીવીટી ખોરવાઈ જતા અરજદારોને ધરમ ધક્કા થયા હતા તે પણ હકીકત છે.

(1:03 pm IST)