Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

આજે વિશ્વ સાયકલ દિવસ

ધ્રાંગધ્રાના યુવા બ્રિગેડનું અભિયાન : દરરોજ ૩૦ કિ.મી. સાયકલીંગ

'સન્ડે સાયકલીંગ' નામથી ગ્રુપ બનાવ્યું અને જોતજોતામાં અનેક સભ્યો જોડાતા ગયા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૩ : ગત વર્ષે જયારે એક બાજુ દેશભરમાં કોરોના મહામારીએ હાહાકાર બોલાવ્યો હતો અને સરકાર દ્વારા લોકડાઉન લાદવામાં આવેલું, ત્યારે શાળાઓ બંધ હોવાથી ઘણા કિશોર કિશોરીઓને મોબાઇલને જ દિવસ પસાર કરવાનું સાધન બનાવી લીધું હતું. આવા કપરા સમયમાં સુરેન્દ્રનગર જિલ્લાના આશરે ૭૦ થી ૮૦ હજારની વસ્તી ધરાવતા ધ્રાંગધ્રા શહેરના કેટલાક ઉત્સાહી કિશોર-કિશોરીઓએ અનલોક થતા જ મે-૨૦૨૦માં 'Sunday Cycling' ના નામથી એક મોર્નિંગ સાયકલીંગ ગ્રુપ શરૂ કર્યું. ફકત પાંચથી છ વ્યકિતઓથી શરુ કરવામાં આવેલા આ ગ્રુપમાં આજે એક વર્ષના અંતે લગભગ ૬૫ જેટલા સભ્યો જોડાઈ ચૂકયા છે. શરૂઆતમાં ફકત રવિવારના દિવસે જ સાઈકલિંગ કરતાં આ ગ્રુપમાં જેમ જેમ સભ્યોની સંખ્યા વધતી ગઈ તેમ આ ગ્રુપ દ્વારા ફકત રવિવારને બદલે દરરોજ સાઈકલિંગ કરવાનું શરૂ કર્યું હતું.

ધ્રાંગધ્રા શહેરમાં સવારના પાંચ વાગે 'ગુડ મોર્નિંગ'ના મેસેજ વહેતા થાય અને જોતજોતામાં તો સાયકલ અને પાણીની બોટલો સાથે ગ્રુપના તમામ સભ્યો નક્કી કરવામાં આવેલા મિટિંગ પોઇન્ટ પર એકત્રિત થઈ જાય અને પછી જાતે જ કેટલા કિલોમીટર અંતર કાપવું તેવો લક્ષ્ય નક્કી કરીને સાઇકલ સવારો નીકળી પડે. દરરોજના સરેરાશ ૩૦ કિલોમીટર સાયકલીંગને અંતે છેલ્લા ૧૨ માસમાં આ ગ્રુપે અંદાજે ૬૦ હજાર કિલોમીટરથી પણ વધુ સાયકલીંગ કર્યું. માત્ર ગતમાસની જ વાત કરીયે તો મે માસમાં જ તેમણે ૧૭ હજાર કિલોમીટરથી પણ વધુ સાયકલિંગ કર્યું હતું, પછી ભલે તે ઉનાળાની બળબળતી ગરમી હોય, ચોમાસાનો વરસાદ હોય કે પછી શિયાળાની કાતિલ ઠંડી હોય, આમાંથી કોઈ પણ ઋતુ આ સાયકલીંગ ગ્રુપના જુસ્સાને ડગમગાવી શકી નથી.

આ બાબતે વાત કરતા આ જ ગ્રુપના એક સભ્ય ડો. નિલેશ સંઘવી જણાવે છે કે, ધ્રાંગધ્રા શહેરમાં ભાવેશભાઈ મારવી દ્વારા શરુ કરાયેલા આ સાયકલીંગ ગ્રુપની ખાસિયત એ છે કે, આ ગ્રુપમાં તમામ વયના લોકો સભ્ય બન્યા છે, આ સાયકલીંગ ગ્રુપમાં ૧૦ વર્ષથી લઈને ૫૦ વર્ષ સુધીની વય ધરાવતા લોકો રોજ સવારે સાયકલીંગ કરવા આવે છે, તેમજ રોજ સાથે સાયકલીંગ કરતા કરતા આ ગ્રુપ હવે એક પરિવાર જેવું બની ગયું છે.

ડો. ભાવેશ પટેલ આ ગ્રુપની સિદ્ઘિઓ વિષે વાત કરતા કહે છે કે, અમે સાયકલીંગ કરવાની સાથે કેટલીક સાયકલીંગને લગતી ઇવેન્ટમાં પણ ભાગ લઇએ છીએ. જે પૈકી ગતવર્ષે કોરોના કાળમાં બે વર્ચ્યુઅલ ઇવેન્ટમાં અમે ભાગ લીધો હતો. પહેલી ઇવેન્ટમાં જયાં ૧૦૦ કિલોમીટર સાયકલીંગ કરવાનો ટાર્ગેટ હતો, ત્યાં અમારા ગ્રુપના ૪૫ સભ્યો દ્વારા માત્ર સાત જ કલાકમાં આ અંતર કાપી ટાર્ગેટ પૂરો કરવામાં આવ્યો હતો, જયારે બીજી દાંડીયાત્રા સાયકલીંગ ઇવેન્ટમાં અમારા ગ્રુપના ૬૫ જેટલા સભ્યોએ ૩૮૫ કિલોમીટર સાયકલીંગ કર્યું હતું.

આ જ સાયકલીંગ ગ્રુપના ૧૯ વર્ષિય યુવા સાયકલવીર પરમ વ્યાસે તેમનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, લોકડાઉન થયા બાદ હું દિવસ પસાર કરવા આખો દિવસ ફોન લઈને બેસી રહેતો અને ગેમ રમતો રહેતો. આ સમય દરમિયાન મેં મારા શરીરના વજનમાં પણ ઘણા ફેરફાર થતા જોયા, ત્યારે એક દિવસ સોશ્યલ મીડિયાના માધ્યમથી મને આ ગ્રુપ વિષે જાણવા મળ્યું અને ત્યારબાદ હું પણ આ ગ્રુપમાં જોડાયો. છેલ્લા છ મહિનાથી હું આ ગ્રુપનો સભ્ય છું. આ ગ્રુપના સભ્યો એક મહિના માટે તેમના સાયકલીંગ કરવાનો ટાર્ગેટ નક્કી કરતા હોય છે, જેમાં લોકો એક જ મહિનામાં વ્યકિતગત એક હજારથી પણ વધારે કિલોમીટર સાયકલીંગ કરવાનો ટાર્ગેટ રાખતા હોય છે. મે પોતે પણ મે મહિનામાં ૮૦૦ કિલોમીટરથી પણ વધુ સાયકલીંગ કર્યું હતું.

(12:05 pm IST)