Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

સોમનાથ - પાટણમાં સાયકલનો'ય દબદબો હતો... હો...

આજે ઓડી કાર ધરાવનાર જે માભાથી ફરે છે તેવું તે જમાનામાં જેની પાસે સાયકલ હોય તેને સ્ટેટસ સિમ્બોલ જેવું મનાતું

(મીનાક્ષી ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ તા. ૩ : આજે સમગ્ર વિશ્વ 'વિશ્વ સાયકલ દિવસ' તરીકે ઉજવી રહ્યું છે ત્યારે સોમનાથ દાદાની નગરી પ્રભાસમાં સાયકલનો દબદબો હતો.

સાયકલ ભાડે આપવાના ત્રણથી ચાર સ્ટોર હતા. જેમાં કલાકનું ભાડુ ચાર આના લેખે સાયકલ ભાડે મળતી. લોકો પોતાનું નામ - સમય લખાવી સાયકલ ભાડે ફેરવવા લઇ જતા. ઇદ - દિવાળી અને વેકેશનગાળામાં ઘરાકોનું વેઇટીંગ રહેતું.

ઘરે - ઘરે સાયકલ રહેતી સાથોસાથ હવા ભરવાનો પંપ, હોર્ન, ચેઇન અને વ્હીલ ઓઇલીંગ માટેની ઓઇલ પ્લાસ્ટીક બોટલ, ઘરના બાળકોને બેસાડવા હેન્ડલ સાથે જોડી શકાય તેવું લોખંડના સળીયાનું બેઠક ખાનું. સાયકલ સાફ - લુંછવાના કપડા ઘરમાં રહેતા.

આજે જેમ બાઇકની ચોરી થાય છે તેમ તે જમાનામાં ચોર લોકો સાયકલની પણ ચોરી કરતા અને ફરિયાદ પણ લખાતી અને પોલીસ તેવા ચોરને પકડે ત્યારે તેને જોવા ટોળા ઉમટતા. નગરપાલિકામાં જઇ સાયકલના નંબર મેળવવા પડતા. આજે જેમ બાઇક - કારના નંબર મેળવવા આર.ટી.ઓ.માં જવું પડે છે તેમ એ નંબર સાયકલ પાછળ પ્લેટ ઉપર લખવા પડતા અને જો નંબર ન હોય તો પોલીસ કેસ કરતી. રાત્રે સાયકલ સ્વારોએ બેટરી સેલવાળું લાઇટ ફાનસ લગાડવું પડતું હતું.

(12:06 pm IST)