Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

જામનગરમાં આયુષ નવજાત શિશુ કેર સેન્ટરને મોટી સફળતાઃ અધુરા માસે જન્મેલી ૫૭૫ ગ્રામની બાળાને ૭૯ દિવસ વેન્ટીલેટર અને ૧૨૫ દિવસ આઇસીયુમાં રાખીને તબીબોએ નવજીવન આપ્યુ

જામનગરઃ જામનગરમાં આયુષ નવજાત શિશુ કેર સેન્ટરને મોટી સફળતા મળી છે, જેમાં 25 અઠવાડિયાં એટલે કે સાડાપાંચ મહિનાના અવિકસિત ગર્ભમાંથી અધૂરા માસે જન્મેલી એક બાળકીનું વજન માત્ર પાંચસો પંચોતેર ગ્રામ હતું. આ બાળકી 79 જેટલા લાંબા દિવસ સુધી વેન્ટિલેટર પર તથા એનઆઈસીયુમાં 125 દિવસ સુધી રહી હતી અને તેને નવજીવન મળ્યું છે.

સગર્ભાવસ્થાનાં 25 અઠવાડિયે બાળકી જન્મી

આ વયજૂથ માટે સૌરાષ્ટ્રમાં કદાચ આ બાળકીની સૌથી લાંબી સફર NICUમાં રહી હશે. અધૂરા માસે જન્મતાં બાળકોમાં રહેલી તમામ મુશ્કેલીઓ આ બાળકીની અંદર પણ જોવા મળેલી હતી, પરંતુ આયુષ હોસ્પિટલની ટીમે આ પડકારને બખૂબી રીતે ઝીલીને બાળકીને નવજીવન આપ્યું છે. સગર્ભાવસ્થાના 25મા અઠવાડિયે જન્મેલી 575 ગ્રામ વજન ધરાવતી બાળકીની 125 દિવસની લાંબી સફર બાદ તેનું વજન 2200 ગ્રામ જેટલું વધી ગયું હતું.

બાળકી 79 દિવસ સુધી વેન્ટિલેટર પર રહી

બાળકને ફેફસાંની તકલીફ, હૃદયની નળી ખૂલી રહેવી, આંતરડાંની તકલીફ, શ્વાસ ફૂલવો, ચેપ લાગવો, મગજનો યોગ્ય વિકાસ થવો, આંખનો વિકાસ, લોહીનાં આવશ્યક તત્ત્વોમાં ફેરફાર તેમજ ઊણપ વગેરે ડોક્ટર માટે અત્યંત પડકાર સ્વરૂપ હતાં, પરંતુ અતિઆધુનિક ટેકનોલોજી તથા મશીનરી ધરાવતી આયુષ હોસ્પિટલની સમગ્ર ટીમે આ પડકારને હરાવી મોટી સફળતા હાથ ધરી છે, સાથે સાથે બાળકીનાં માતા-પિતાની ધીરજ અને તેમનો ડોક્ટર પરનો વિશ્વાસ એ પણ ખૂબ જ સરાહનીય હતો. આવા કોરોનાના કપરાકાળમાં જેમાં દર્દીઓ 15 કે 20 દિવસ વેન્ટિલેટર પર રહેતા હોય છે. ત્યાં આ નાનકડું બાળપુષ્પ 79 દિવસ સુધી વેન્ટિલેટર પર રહી મોતને માત આપી છે.

અધૂરા માસે જન્મતા બાળકની ટ્રીટમેન્ટ કરવામાં આવે તો નવું જીવન મળે

બાળકીનાં માતા-પિતાએ જણાવ્યું હતું કે આયુષ ન્યૂબોર્ન કેર સેન્ટર આપણા જામનગર વિસ્તાર માટે ખરેખર એક આર્શીવાદ સમાન છે. સમાજમાં અધૂરા માસે જન્મતાં બાળકોની જો સમયસર ટ્રીટમેન્ટ કરવામાં આવે તો તેને નવું જીવન મળી શકે છે. રાજકોટ અને અમદાવાદ જેવાં મોટાં શહેરોમાં જે ફેસિલિટી મળે છે એ હવે આપણા જામનગર શહેરમાં મે રૂબરૂ જોઈ અને અનુભવી છે. અધૂરા માસે જન્મતાં આવાં બાળકોને બચાવવા માટે થોડી લોકજાગૃતિ કેળવાય અને સમયસર તેની ટ્રીટમેન્ટ થાય એવી હું સમાજના નાગરિક તરીકે હિમાયત કરું છું.

"હિંમતથી હારજો, પણ હિંમત ન હારજો"

ડોક્ટરોએ જણાવ્યું હતું કે ચાર-ચાર મહિનાઓ સુધી પણ અમે અમારી ધીરજ ન ખોઈ અને આખરે અમને સફળતા મળી છે. અભિમન્યુનું સૂત્ર અમે યાદ રાખ્યું હતું, "હિંમતથી હારજો, પણ હિંમત ન હારજો" અનેક ઉતાગ-ચઢાવ બાદ અને ડોક્ટરોની 24 કલાકની હાજરી આ બધું જ સફળતાના સોપાનો સર કરવા માટે કાફી હતું અને અમે સફળ થયા.

(4:43 pm IST)