Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

મોરબી ખાનગી શાળાથી છેડો ફાળતા વિદ્યાર્થીઓ : પ્રાથમિકમાં ૧૪૫૨, માધ્યમિક અને ઉચ્ચતરમાં ૨૦૬ વિદ્યાર્થીઓના સરકારી શાળામાં પ્રવેશ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૩ : મોરબી જીલ્લામાં સરકારી શાળામાં શિક્ષણની ગુણવત્તાને પગલે ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે વળી કોરોના કાળમાં ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો ખાનગી શાળામાં ફી ભરવાના બોજ તળે દબાયા હોય જેથી સરકારી શાળામાં વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી રહ્યા છે અને હાલ ૧૪૫૨ વિદ્યાર્થીઓએ ખાનગી શાળાને બાયબાય કરી દીધું છે અને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે.

મોરબી જિલ્લામાં નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભમાં ૧૪૫૨ વિદ્યાર્થીઓ ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. જિલ્લામા સૌથી વધુ ૮૬૧ બાળકો મોરબી તાલુકાના નોંધાયા છે. મોરબી શહેર અને તાલુકા ખાનગી શાળાઓની સંખ્યા વધુ છે અને તેમાં મોટી સંખ્યામાં બાળકો અભ્યાસ કરતા હતા હવે શાળાઓ બંધ હોવાથી વાલીઓ તેમના બાળકોને સરકારી શાળામાં પરત મૂકી રહ્યા છે. મોરબી સિવાય અન્ય તાલુકાની વાત કરીએ તો વાંકાનેરમાં ૨૩૬, હળવદ ૧૯૬, ટંકારાના ૯૯, માળિયાના ૬૦ બાળકોનો સમાવેશ થઈ રહ્યો છે. જિલ્લામાં હજુ પ્રાથમિક અને માધ્યમિક શાળામાં પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે જેથી આ સંખ્યામાં હજુ પણ વધારો થવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. ધોરણ મુજબ જોઈએ તો ધોરણ ૨ માં ૧૭૬, ધોરણ ૩ માં ૨૪૧, ધોરણ ૪માં ૨૦૯, ધોરણ ૫માં ૨૨૫,ધોરણ ૬માં ૨૫૫, ધોરણ ૭માં ૧૮૬૨,ધોરણ ૮માં ૧૬૪ છાત્રોએ ખાનગી માંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો હતો. મોરબી જીલ્લામાં પ્રાથમિક ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પણ ૨૦૬ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે જેમાં ધોરણ ૯ માં ૧૬૪, ધોરણ ૧૦ માં ૨૬, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૧૬ વિદ્યાર્થીઓ મળીને કુલ ૨૦૬ વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યા છે.

(11:48 am IST)