Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

મોરબી જિલ્લામાં ૩૫ સ્થળે રસીકરણ : ૮૫૦૦ ડોઝ

શુક્રવારે ૩૫ સ્થળોએ કુલ ૩,૯૭૭ લોકોનું વેકસીનેશન

મોરબી,તા. ૩: મોરબી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી રસીની અછતથી વેકસીનેશન અડચણ ઉભી થતી હોવાની સમસ્યા વચ્ચે સરકાર દ્વારા ડોઝ વધારી દેવામાં આવ્યો છે. જેમાં આવતીકાલે શનિવારે રસીકરણ માટે સરકાર દ્વારા ૮૫૦૦ડોઝનો જથ્થો ફાળવી દેવામાં આવ્યો છે. આથી આજે ૩૫ સ્થળોએ વેકસીનેશનનું આયોજન કરવામાં આવ્યું છે. જયારે ગઇકાલે મોરબી જિલ્લાના ૩૫ સ્થળોએ કુલ ૩૯૭૭ લોકોનું વેકસીનેશન કરાયું હતું.

મોરબી જિલ્લામાં વેકસીનેશનની કામગીરી સાંભળતા જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી ડો. વિપુલ કારોલિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી રસીની અછત વચ્ચે હવે સરકાર દ્વારા રસીનો ડોઝ વધારી દેવામાં આવ્યો છે. જેમાં સરકાર દ્વારા શનિવાર માટે ૮૫૦૦ રસીના ડોઝ ફાળવી દેવામાં આવ્યા છે અને આ રસીનો ડોઝ આજ રાત્રી સુધીમાં આવી જશે અને આવતીકાલે સવારે જિલ્લાના નિર્ધારિત સ્થળોએ આ રસીના ડોઝને વિતરણ કરી દેવામાં આવશે. આવતીકાલે શનિવારે મોરબીના ૧૩, ટંકારાના ૪, વાંકાનેરના ૯ માળીયાના ૩અને હળવદના ૬ મળીને જિલ્લાના કુલ ૩૫ સ્થળોએ વેકસીનેશન હાથ ધરાશે.

વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, ડોઝ વધારી દેવાયો છે. પણ સ્થળ ૩૫ જ રાખ્યા છે. જો કે, કાલ માટે પણ કોવીશિલ્ડનો જથ્થો ફાળવામાં આવ્યો છે. જયારે કોવેકસીનનો જથ્થો કાલે શનિવારે આવશે. આ કોવેકસીન રવિવારે ઉપયોગમાં લેવાશે. જયારે આજે મોરબી જિલ્લાના ૩૫ સ્થળોએ વેકસીનેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૪૫ પલ્સમાં ૧૬૨૯ અને ૧૮ પલ્સમાં ૨૨૫૨ તેમજ ખાનગીમાં ૯૬ મળીને જિલ્લાના કુલ ૩૯૭૭ લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા ફાળવેલો ૩૫૦૦ ડોઝ અને અગાઉનો સંગ્રહિત ૧૪૦ ડોઝ પણ ઉપયોગમાં લેવાયો હતો.

(11:50 am IST)