Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

જૂનાગઢમાં ધો. ૧૦-૧૨ની ૧૭૧૮૦ છાત્રો પરિક્ષા આપશેઃ દોઢ કિ.મી.ના વિસ્તારમાં કેન્દ્ર અપાશે

પોતાના વિસ્તારમાંથી દૂર ન જવુ તેવી રીતે વ્યવસ્થા કરતા જીલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાય

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૩ :. આગામી ૧૫ જુલાઈથી ધો. ૧૦ અને ૧૨ની ખાનગી અને રીપીટર વિદ્યાર્થીઓની પરિક્ષા શરૂ થનાર છે.

ત્યારે જૂનાગઢના જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાય દ્વારા વિદ્યાર્થીઓને દૂર ન જવુ પડે અને દોઢ કિ.મી.ના વિસ્તારમાં સ્કૂલ મળી રહે તેવુ પ્રથમ વખત કહી શકાય તેવુ આયોજન કર્યુ છે. શ્રી રમેશ ઉપાધ્યાયએ જણાવ્યુ હતુ કે ૧૫ જુલાઈથી શરૂ થઈ રહેલી પરિક્ષામાં એક વર્ગમાં ૨૦ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવશે. ધો. ૧૦માં જૂનાગઢ ઝોનમાં ૫૪૨૦ વિદ્યાર્થી ૨૯ કેન્દ્રોમાં પરિક્ષા આપશે. જ્યારે કેશોદ ઝોનમાં ૩૩ કેન્દ્રો ૬૫૮૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં ૨૨ કેન્દ્રમાં ૪૪૦૦ વિદ્યાર્થી અને વિજ્ઞાન પ્રવાહમાં ૪ કેન્દ્રમાં ૭૮૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. કોવિડની ગાઈડલાઈનના પાલન માટે દરેક વર્ગમાં ૨૦ વિદ્યાર્થી પરિક્ષા આપશે અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવામાં આવશે તેમજ માસ્કની વ્યવસ્થા રખાશે. બ્લોક સેનીટાઈઝ કરાશે. તમામ કેન્દ્રો સીસીટીવીથી સજ્જ કરાયા છે.

જૂનાગઢ શહેરના જોષીપરા ગિરનાર અક્ષરવાડી દાતાર એમ ૪ ઝોનમાં વિભાજન કરી પરિક્ષાર્થીઓની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમા જોષીપરા વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓના તથા અક્ષરવાડી વિસ્તારના વિદ્યાર્થીઓને તેની રહેણાક સાઈડ નજીક સ્કૂલોમાં નંબર આપવામાં આવેલ છે. જે તે વિસ્તારના વિદ્યાર્થીઓને દોઢ કિ.મી. વિસ્તારમાં સ્કૂલ મળી રહે દૂર જવુ ન પડે તેની કાળજી લઈ શ્રી ઉપાધ્યાય દ્વારા સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને તેમના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના શિક્ષણ નિરીક્ષક આર.વી. પરમાર એલ.વી. કરમટા તેમજ મદદનીશ શિક્ષણ નિરીક્ષક વી.જી. વડારીયા, વી.એલ. ભુત, સિનીયર કલાર્ક આર.બી. મહાવદીયા, એચ.પી.દવે, પી.એમ. વાઘેલા સહિતની ટીમ દ્વારા પરિક્ષાની તૈયારી થઈ રહી છે.

(12:57 pm IST)