Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

ગોંડલ ખીમોરી તળાવ પાસે અવાવરૂ જગ્યામાં પડેલા અશકત વૃધ્ધાની મદદે નગરસેવક દોડી ગયા

બે દિવસથી ભૂખ્યા તરસ્યા અને વરસાદથી તરબતર થયેલા વૃધ્ધાને પ્રાથમિક સારવાર આપી વૃધ્ધાશ્રમમાં પનાહ દેવડાવી પરિવારની શોધ શરૂ કરી

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૩ : ગોંડલ નેશનલ હાઈવે ગુંદાળા ચોકડીથી થોડે દુર આવેલ ખીમોરી તળાવના અવાવરૂ વિસ્તારમાં બે દિવસથી ભૂખ્યા તરસ્યા અને વરસાદ થી પલળેલા અશકત વૃદ્ઘા ની વહારે નગરસેવક એ દોડી જઇ સરાહનીય સેવા બજાવી હતી.

ગોંડલ શહેર પંથકમાં 'સન્ડે સ્લેમ ડે' અને 'મદદનો ચોરો' જેવા કાર્યક્રમો થકી લોકોની સેવા કરતા નગરપાલિકાના સદસ્ય રાજેન્દ્રસિંહ જાડેજાને શિક્ષક એલ એન ભરાઈ અને ગૌરાંગભાઈ ત્રિવેદી દ્વારા ખીમોરી તળાવના અવાવરૂ વિસ્તારમાં બે દિવસથી ભૂખ્યા તરસ્યા હાલતમાં એક વૃદ્ઘા પડયા હોવાની જાણ કરાતા રાજેન્દ્રસિંહ જાડેજા વિલંબ કર્યા વગર તેમની સેવાભાવી ટીમના સદસ્યો સાથે દોડી ગયા હતા વૃદ્ઘા પાસે બેસી સાંત્વના આપી ચા નાસ્તો કરાવી નગરપાલિકાની એમ્બ્યુલન્સ બોલાવી સિવિલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર અપાવી વૃધ્ધાશ્રમ ખાતે પનાહ અપાવી સરાહનીય કાર્ય કર્યું હતું.રાજેન્દ્રસિંહ જાડેજા એ વૃદ્ઘાને સાંત્વના આપજ નામ સરનામું પૂછતાં વૃદ્ઘાએ જણાવ્યું હતું કે તેઓ આટકોટ ના રહેવાસી છે તેમનું નામ સવિતાબેન સોલંકી છે (ઉંમર વર્ષ ૮૦) છે અને સંતાનમાં લાલો તેમજ કિશન નામના બે દીકરા છે રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા તુરંત જ સમગ્ર ઘટનાની જાણ પોલીસ તંત્રને કરવામાં આવી હતી અને સાથોસાથ વૃદ્ઘાનું વહેલામાં વહેલી તકે પરિવાર સાથે મિલન થાય તે માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.આ તકે શિક્ષક મિત્રોએ રાજેન્દ્રસિંહ જાડેજાને બિરદાવી જણાવ્યું હતું કે માઇક પકડીને જાહેર સભાઓમાં તો ઘણા રાજકીય નેતાઓને મોટી મોટી સેવાની વાતો કરતા જોયા છે વાસ્તવમાં તમે એક મોબાઇલ ફોનની માહિતીની ૧૫ મિનિટની અંદર જ વૃદ્ઘાની મદદે પહોંચી જઈ સાબિત કરી દીધું છે કે માનવતા હજી મરી પરવારી નથી.

(11:55 am IST)